Home /News /gujarat /બાવળિયાને પ્રધાન પદ અપાતા બીજેપીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ

બાવળિયાને પ્રધાન પદ અપાતા બીજેપીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ

ભાજપમાં જોડાયા બાદ કમલમ ખાતે બાવળિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતાની સાથે જ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને પ્રધાન પદ આપી દેવામાં આવતા ભાજપના અસંખ્ય ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. ધારાસભ્યોની નારાજગી હવે સામે આવી રહી છે. બીજી તરફ આ અંગે રજુઆત કરવામાં આવતા પ્રદેશ ભાજપના નેતાઓ તરફથી નારાજ ધારાસભ્યોને દિલ્હીમાં જઈને રજુઆત કરવાનું કહેવામાં આવ્યું છે.

ધારાસભ્યોએ વ્યક્ત કરી નારાજગી

બાવળિયાને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવતા ધારાસભ્યોની સાથે સાથે રાજ્ય કક્ષાના પ્રધાનો પણ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જેમાં મધ્ય ગુજરાતના ધારાસભ્યોએ વધારે નારાજગી વ્યક્ત કરી છે. ધારાસભ્યો એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ પક્ષ માટે વર્ષોથી કામ કરી રહ્યા છે અને આયાતી ધારાસભ્યને સીધા જ કેબિનેટ પ્રધાન બનાવી દેવામાં આવે છે.

પાર્ટી ફોરમમાં રજુઆત કરવા સૂચના

બીજી તરફ પ્રદેશ નેતાઓ તરફથી નારાજ ધારાસભ્યો અને પ્રધાનોને મીડિયા ફોરમને બદલે પાર્ટી ફોરમમાં રજુઆત કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે કુંવરજી બાવળિયા અંગેનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવ્યો છે. આથી જેમને રજુઆત કરવી હોય તેમને અમિત શાહ સમક્ષ રજુઆત કરવાનું કહેવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં નારાજ ધારાસભ્યો દિલ્હીમાં જઈને અમિત શાહને મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

કુંવરજીને ચાર જ કલાકમાં પ્રધાન પદ મળ્યું

નોંધનીય છે કે જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ 11 વાગ્યે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ 12 વાગ્યાની આસપાસ તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. સાંજે ચાર વાગ્યે તેમને રાજ્યપાલે મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ રીતે કુંવરજી બાવળિયાને માત્ર ચાર કલાકમાં જ મંત્રી પદ મળી ગયું હતું.

હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર
First published:

Tags: Amit shah, Cabinet Minister, Kunvarji bavaliya, Vijay Rupani, કોંગ્રેસ, ધારાસભ્ય, ભાજપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો