અમદાવાદઃ મોલ અને મલ્ટિપ્લેકસમાં લેવામાં આવતા ચાર્જ અંગે ગુજરાત હાઇકોર્ટે મુલાકાતીઓ માટે ખૂબ સારા સમાચાર આપ્યા છે. હાઇકોર્ટના આદેશ પ્રમાણે હવેથી મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જના નામે ફી નહીં ઉઘરાવી શકે. આ પહેલા સિંગલ જજની બેચે ટુ-વ્હિલર માટે રૂ. 10 અને ફોર વ્હિલર માટે રૂ. 20 પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની છૂટ આપી હતી. હાઇકોર્ટના પ્રથમ આદેશ પહેલા સરકાર અને પોલીસ તરફથી શહેરના તમામ મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ નહીં વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ મામલે મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો હાઇકોર્ટમાં ગયા હતા.
આ પહેલા સિંગલ જજની બેંચે પાર્કિંગ ચાર્જ વસૂલવાની છૂટ આપવાની સાથે સાથે મુલાકાતી કેટલો સમય વાહન પાર્ક કરે છે તેના આધારે ચાર્જ વસૂલ કરવાનો આદેશ કર્યો હતો. જોકે, આ મામલે સંચાલકો કોર્ટમાં ગયા હતા. તેમના મતે હાઇકોર્ટના આદેશના પગલે તેમણે ટાઇમ સહિતની નોંધણી માટે વધારે ખર્ચ કરવો પડશે. સિંગલ જજના આદેશને ડબલ જજની બેંચમાં પડકારવામાં આવ્યો હતો.
મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અરજીદાર સંચાલકોનો ઉધડો લીધો હતો. સાથે એવું પણ કહ્યું હતું કે જો મોલમાં પૂરતી પાર્કિંગની સુવિધા નહીં હોય તો પણ પગલાં લેવાશે. આ કેસની વધુ સુનાવણી 30મી નવેમ્બરના રોજ હાથ ધરાશે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારોને સવાલ કર્યો હતો કે તમે કયા આધારે ચાર્જ વસૂલ કરો છો? જવાબમાં સંચાલકોએ સિંગલ જજના આદેશનું બહાનું આગળ ધરતા બે જજની ખંડપીઠે કહ્યું હતું કે, "જરૂરી નથી કે અમે એ આદેશ સાથે સહમત હોઈએ. આજે તમે પાર્કિંગ ચાર્જ વસૂલ કરો છો, કાલે ઉઠીને તમે બાળકો કે વડીલોના મોલમાં પ્રવેશવા પર પણ પ્રવેશ ફી શરૂ કરશો. આ પ્રકારની મનમાની ચલાવી ન લેવાય."
પાર્કિંગની પૂરતી જગ્યા નહીં હોય થો થશે કાર્યવાહી
સાથે ખંડપીઠે એવું પણ કહ્યું હતું કે, "જે મોલ્સમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગની જગ્યા નહીં હોય અથવા અહીં પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હશે તો તેની વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી થશે. આ ઉપરાંત દરેક મોલ્સ કે દુકાનો માટે જરૂરી પાર્કિંગ સ્પેસ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે."