મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાના મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં પોલીસે સોગંદનામુ આપ્યું છે. પોલીસના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે જાહેરસ્થળે પાર્કિંગ પુરુ પાડવું તે સંચાલકોની જવાબદારી છે. પાર્કિંગ ચાર્જ ઉઘરાવી અને લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા મજબૂર કરવા તે કાયદેસરતાનો ગુનો છે.
પોલીસે સોગંદનામામાં તે પણ કહ્યું છે કે, જાહેરહિતની અરજીમાં આપેલા ચુકાદા અને નિર્દેશોનું પાલન કરવું તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. જાહેરહિતમાં અપાયેલા નિર્દેશોનું ખરા અર્થમાં પાલન કરવું તે જનતાની સુખાકારી માટે છે.
કાયદાકીય રીતે ખોટું હોવા છતાંય મોલમાં ખરીદી કરવા કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જતી વખતે વાહનોના પાર્કિંગ માટે ‘પાર્કિંગ ચાર્જ' લઇને નાગરિકોને લૂંટવાના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં મોલ, મલ્ટિપ્લેક્સ, શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વાહનો પાર્ક કરવા માટે લેવાતા ‘પાર્કિંગ ચાર્જ'ને ગેરકાયદે જાહેર કરવાની દાદ માગવામાં આવી હતી.
નોંધનીય છે કે અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિ બાબતે હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે ગયા મહિને વાહન પાર્કિંગ માટે ચાર્જ લેતા હિમાલયા મોલ અને અમદાવાદ વન મોલ, તેમજ રાણીપમાં આવેલા ડી-માર્ટ મોલને નોટિસ ફટકારી હતી. આ ત્રણેય જગ્યાએ વાહન પાર્ક કરવા માટે રૂ. 10થી લઈને રૂ. 20 સુધી ચાર્જ લેવામાં આવતો હતો. ટ્રાફિક પોલીસે કયા કાયદાને આધિન આ ચાર્જ લેવામાં આવતો હોવાની નોટિસ ફટકારતા આ ત્રણેય મોલમાં પાર્કિંગ ચાર્જ દૂર કરવામાં આવ્યો છે. હવે આ ત્રણેય જગ્યાએ ખરીદી માટે આવતા ગ્રાહકોએ વાહનનો પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે નહીં.
કરોડો નાગરિકો સાથે પાર્કિંગ ચાર્જના નામે થતી લૂંટાલૂંટનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, ‘શહેરોમાં આડેધડ રીતે ધંધાદારી ઇમારતો ઊભી કરી દેવાય છે અને પાર્કિંગની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી. જે ઇમારતોમાં પાર્કિંગ સ્પેસ માટે FSIમાંથી બાદ લઇને બાંધકામ કરવામાં આવે છે, તેઓ પણ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ આપીને વાહન દીઠ રૂ. 30થી 40 જેટલો પાર્કિંગ ચાર્જ વસૂલે છે.