Home /News /gujarat /

મહેસાણા કૉ. ઓપરેટિવ બેંકના ચૅરમેન અને વા. ચૅરમેનની ચૂંટણી ફરી યોજવા અપીલ

મહેસાણા કૉ. ઓપરેટિવ બેંકના ચૅરમેન અને વા. ચૅરમેનની ચૂંટણી ફરી યોજવા અપીલ

ફાઇલ તસવીર

ચૅરમેન અને વાઇસ ચૅરમેનની ચૂંટણી ફરીવાર યોજવાના હાઇકોર્ટના સિંગલ જજના આદેશની સામે હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી છે.

    સંજય જોશી, અમદાવાદ : મહેસાણા કૉ.ઓપરેટિવ બેંકના ચૅરમેન અને વાઇસ ચૅરમેનની ચૂંટણી ફરીવાર યોજવાના હાઇકોર્ટના સિંગલ જજના આદેશની સામે હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી બુધવારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ થાય એવી શક્યતા છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ આદેશ કરતાં બેંકના ચૅરમેન અને વાઇસ ચૅરમેનની ચૂંટણી ફરીવાર યોજવા અને બે પ્રોફેશનલ ડિરેક્ટર્સની નિમણૂક રદ કરવા અને રાજ્ય સરકારે નિમેલા ડિરેક્ટરને યથાવત્ રાખવાનો હુકમ કર્યો હતો. જેની સામે અપીલ કરીને આદેશને પડકારવામાં આવ્યો છે.

    આ કેસની હકીકત એવી છે કે, અગાઉ મહેસાણા કૉ.ઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાઇ હતી. જેમાં નટુભાઇ પિતામ્બરદાસ પટેલે એક પેનલ ઊભી રાખી હતી. તે સિવાયની એક અન્ય પેનલ પણ ચૂંટણી જંગમાં હતી. આ ચૂંટણી પહેલા સરકારે સહકારી કાયદાની કલમ 80 મુજબ બેંકમાં શેર ભંડોળ આપીને ખોડાભાઇ પટેલની રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે બોર્ડમાં નિમણૂક કરી હતી. તે દરમિયાન મહેસાણા બેંકમાં વહીવટદાર તરફથી બે પ્રોફેશનલ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવી હતી. જેની સામે નટુ પિતામ્બર પટેલ તથા અન્યોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

    અરજીમાં રાજ્ય સરકારને આવા શેર ભંડોળ આપીને બેંકના બોર્ડમાં પ્રતિનિધિ નિમવાનો અધિકાર ન હોવાની રજૂઆત કરાઈ હતી. ઉપરાંત તેઓ કસ્ટોડિયલ તરીકે પ્રોફેશનલની નિમણૂક ન કરી શકે તેમ પણ જણાવ્યું હતું. તેથી આ ચૂંટણી રદ કરવાની માગ કરાઈ હતી. જે મામલે હાઇકોર્ટે ચૅરમેન અને વાઇસ ચૅરમેનનું પરિણામ સીલ કવરવામાં રાખવા આદેશ કર્યો હતો.

    આ પિટિશન પેન્ડિંગ હતી તે દરમિયાન નટુભાઈ પટેલ અને અન્યોએ અરજી પરત ખેંચી ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની માગ કરી હતી. તેમના આ પગલાંથી નારાજ થઇ તેમની સાથેના જ બે અરજદારો દશરથ પટેલ અને ઇશ્વર પટેલે હાઇકોર્ટમાં અરજી કરીને તેઓ આ કેસ ચલાવવા માગે છે તેમ જણાવ્યું હતું. જે મામલે હાઇકોર્ટે ચૅરમેન અને વાઇસ ચૅરમેનની ચૂંટણી ફરી યોજવા આદેશ કરાયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mahesana, ગુજરાત હાઇકોર્ટ

    આગામી સમાચાર