આવી ચર્ચાના પગલે ભાજપના નેતાઓમાં ચિંતા ફેલાઇ રહી છે. તો બીજી તરફ આ પ્રકરણમાં દોષનો ટોપલો દિલ્હીની પેપર લીક ગેંગ ઉપર ઢોળવા માટેના પ્રયાસો થતા હોવાનું લાગી રહ્યું છે.
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય ભરતી બોર્ડ દ્વારા રવિવારે લોક રક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ પરીક્ષા ચાલું થાય તે પહેલા જ પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક આરોપીઓની અટકાયત અને ધરપકડ કરવામાં આવી રહી છે. પેપર લીક પ્રકરણમાં કથિત મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે પોલીસ પૂછપરછમાં આ પ્રકરણમાં રોજ નવા ખૂલાસા થઇ રહ્યા છે. એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, લોક રક્ષક દળની પરીક્ષાનું પ્રશ્નપત્ર દક્ષિણ ભારતના ભાજપના મોટા નેતાના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું છે. આવી ચર્ચાના પગલે ભાજપના નેતાઓમાં ચિંતા ફેલાઇ રહી છે. તો બીજી તરફ આ પ્રકરણમાં દોષનો ટોપલો દિલ્હીની પેપર લીક ગેંગ ઉપર ઢોળવા માટેના પ્રયાસો થતા હોવાનું લાગી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે લોકરક્ષક ભરતી પરીક્ષાનું પેપર દક્ષિણ ભારતના બેંગલોર નજીકના એક પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયું હોવાનું અને આ પ્રેસમાં અહીંના ભાજપના ટોચના નેતાની ભાગીદારી હોવાની ચર્ચાએ ગાંધીનગરમાં જોર પકડ્યું છે. પેપર લીક કૌભાંડની તપાસમાં કદાવર રાજકીય નેતાઓને બચાવવા માટે પોલીસ દ્વારા આખી ઘટનાને આડા પાટે ચઢાવીને ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પેપર લીક કેસમાં જ્યારે સૌપ્રથમ રૂપલ શર્મા સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દેખાવ ઉભો કર્યો હતો. પોલીસે તમામ જીલ્લાના જે સ્ટ્રોંગરૃમમાં પેપર રખાયા હતા તેની તપાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે પેપર કયા પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયું તે અંગે તપાસમાં અવરોધ ઉભો ન થાય તેમ કહીને ચુપકીદી સેવી હતી. ઘટનાના આટલા દિવસ બાદ પણ પોલીસે આ ચુપકીદી તોડી નથી. તે સમયે પોલીસે લોકરક્ષક ભરતી બોર્ડ પેપર ક્યાં છપાવવું તે નક્કી કરતી હોવાનું જણાવ્યું હતું. જો પોલીસ તમામ સ્ટોંગરૃમની તપાસ કરી શકતી હોય તો જ્યાંથી પેપર લીક થયું હોવાની શંકા છે તે પ્રિન્ટીંગ પ્રેસ સુધી કેમ નથી પહોંચી તે ચર્ચાએ પણ જોર પકડયું છે.
બીજીતરફ પોલીસે શરૃઆતમાં જ લીક થયેલું પેપર દિલ્હીથી લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પેપર લીક કરવામાં દિલ્હીની પેપરલીક ગેંગનો હાથ હોવાનું જણાવ્યું હતું. આ ગેંગ ગુજરાત જ નહી પરંતુ અન્ય રાજ્યોમાં પણ પેપર ફોડતી હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓએ આ ગેંગના કયા સભ્ય પાસેથી પેપર ખરીદ્યા તે કેમ જાણી શકતી નથી. તે સિવાય લોકરક્ષક પરીક્ષા ભરતી બોર્ડ દ્વારા દિલ્હીની એક કંપનીને આઉટ સોર્સિંગનું કામ સોંપવામાં આવ્યું હતું. કઈ કંપનીને આ કામ સોંપાયુ હતું તે અંગે પોલીસ હરફ પણ ઉચ્ચારતી નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર