નવિન ઝા, અમદાવાદ: LRD પેપર લીક કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS અને ક્રાઇમબ્રાન્ચે વિરેન્દ્ર માથુરની ધકરપકડ કરી છે, જે બાદ તેને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે.
વિરેન્દ્રએ તેની ઓળખ બદલવા માટે તેનો વેશ પણ બદલી નાંખ્યો હતો. તેણે વ્હાઇટ દાઢી રાખી ઓળખ છૂપવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએસ દ્વારા તેની પર વોચ રાખવામાં આવી હતી. જે બાદ તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.
બે દિવસ પહેલાં સોલ્વ કરેલા પ્રશ્નપત્ર આપ્યા હતા
પકડાયેલા વિરેન્દ્રની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ કેસમાં અગાઉ પકડાયેલો આરોપી વિનય અરોરા અને તેનો સાથીદાર વિનોદ ચિક્કારા તેને પરીક્ષાના બે દિવસ પહેલાં સોલ્વ કરેલા પ્રશ્નપત્ર આપ્યા હતા. જે બદલ વિરેન્દ્રએ તેને એક કરોડ રૂપિયા આપવાના હતા.
એડવાન્સમાં 9.70 લાખ આપ્યા હતા
પેપર વહેંચવા માટે વિરેન્દ્રએ મોનુનો સંપર્ક કર્યો હતો. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેપર મેળવવા ઇચ્છુક ઉમેદવારોના સંપર્કો હતા. મોનુ ગુજરાતથી ઉમેદવારોને પરીક્ષાના એક દિવસ પહેલાં દિલ્હી લઇ આવ્યો હતો. જ્યાં ઉમેદવારોને પેપર વંચાવી ગોખી લેવા કહેવામાં આવ્યું હતું. વિરેન્દ્રએ વિનોદને પેપર મેળવી આપવા માટે એડવાન્સમાં 9.70 લાખ આપ્યા હતા.
વિરેન્દ્ર માથુરની ધરપકડ બાદ તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઇ શકે છે. તેની પૂછપરછમાં પેપર લીક કાંડના અન્ય આરોપીઓ સહિત પેપર લીક માટે કેટણ નાણાં ચૂકવ્યા હતા તે સહિતની માહિતી બહાર આવી શકે છે.
અનેક રાજ્યોમાં પેપર લીક કરી ચૂક્યો છે
વિરેન્દ્ર માથુર અનેક રાજ્યોમાં પેપર લીક કરી ચૂક્યો છે. આ મામલે 16થી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે બાદ હવે મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરને ઝડપી લેવાયો છે. સાથે જ તે અનેક ગુનાઓમાં વોન્ટેડ પણ હતો.
ઉલ્લેખનીય છે કે, વિરેન્દ્ર માથુર એક વેઇટ લિફ્ટર હતો અને દિલ્હીમાં રહેતો હતો. તે કોચ પણ રહી ચૂક્યો છે. તે રૂપિયા કમાવવાની લાલચમાં પેપક લીક કરવાનું કૌભાંડ ચલાવતો હતો. ગુજરાતાં પેપક લીક મામલો સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, ગત 2 ડિસેમ્બર 2018ના રોજ ગુજરાત પોલીસ ખાતામાં 9713 લોક રક્ષકની લેખિત પરીક્ષા યોજાવવાની હતી. જે દરમિયાન પેપર લીકની ધટના સામે આવતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.