હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: બાવળામાં બે દિવસ પહેલા એટલે કે 8મી મેનાં રોજ ભરબજારે એક યુવકે છરીનાં ઘા મારીને 19 વર્ષની યુવતીની હત્યા કરી નાંખી હતી. આ બાબતે બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી ઘટનામાં સામેલ ત્રણેય આરોપીને જિલ્લા પોલીસે પકડી પાડયા છે. રાજ્ય સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે મિતલ જાદવના પરિવારને 8.25 લાખની સહાયનો આદેશ આપ્યો છે. પ્રથમ 4.12 લાખની સહાય સોમવારે ચુકવી દેવામાં આવશે.
જિલ્લા એસપી રાજેન્દ્ર અંસારીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી કેતનને સુરેન્દ્રનગર બનાસકાંઠાની બોર્ડર પરથી ગઇકાલે રાત્રે પકડી પાડવામાં આવ્યો છે. જયારે મૃતક યુવતીના પરિજનોએ કાલે ચીમકી આપી હતી કે જયાં સુધી તમામ આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીએ નહીં.
ત્રણેય આરોપીને જિલ્લા પોલીસે પકડી પાડયા છે.
જાણો કઇ રીતે થઇ હત્યા?
મુળ ધોલેરાના વતની અને 10 વર્ષથી બાવળા ખાતે રહી કડીયાકામની મજૂરી કરતા રમેશભાઇ જાદવ, પત્ની અનિતાબેન અને ત્રણ દિકરી મિત્તલ, હિના અને મનીષા તથા પુત્ર સાવન બાવળા ખાતે રહેતા હતા. મિત્તલના લગ્ન આગામી 26 મેનાં રોજ હતા. જે માટે મિત્તલ અને હિના બાવળાનાં બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. તે દરમિયાન પાણીપુરીની લારી પાસે બંને બહેનો ઉભી હતી તે સમયે બાઇક પર કેતન વાઘેલા અને શ્રવણ આવ્યા હતા. કેતને મિત્તલને બાઇક્ પર બેસી જવા કહ્યું હતું. પરંતુ મિત્તલે ના પાડતા ઉશ્કેરાઇ ગયેલા કેતને છરીથી ભરબજારે લોકોની ભીડ વચ્ચે જ મિત્તલ પર છરીના ઘા મારતા યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. આ સમગ્ર ઘટના દરમ્યાન કેતન અને શ્રવણનો અન્ય એક સાથીદાર ધનરાજ પણ ઘટના સ્થળે આવી ગયો હતો.
ગંભીર રીતે ઘાયલ યુવતીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડી જ્યાં સારવારમાં મૃત્યુ થયું હતુ. આ પ્રકરણમાં યુવતીના પિતા રમેશભાઇએ બાવળા પોલીસ મથકમાં કેતન વાઘેલા, શ્રવણ અને ધનરાજ નામના વ્યકિત સામે તેમની દિકરીને છરીના ઘા મારીને કરપીણ હત્યા કરવા સબબની ફરિયાદ નોંધાવી હતી.