અમદાવાદ : શહેરમાં (Ahmedabad) વાડજ બાદ વસ્ત્રાપુરમાં લૂંટનો (loot in Ahmedabad) બનાવ સામે આવ્યો છે. રૂપિયા ૫ લાખ ૧૦ હજાર રોકડા લઈ અંધજન મંડળ પાસેથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખીને બેગ ઝુંટવી બે લુંટારૂઓ ફરાર થઇ ગયા છે.
જુહાપુરા વિસ્તારમાં રહેતો જાફર શેખ નારણપુરામાં આવેલી કુરિયર કંપનીમાં છેલ્લા બે વર્ષથી સુપરવાઈઝર તરીકે કામ કરે છે. ઓફિસમાં ડિલિવરી બોય પાસેથી કેશ મેળવીને તે ગણતરી કરવા માટે કેશ ઘરે લઈ જાય છે. જેને બીજે દિવસે બેંકમાં ભરવાની હોય છે. ગઇકાલે મોડીરાત્રે ઓફિસના રૂપિયા ૫ લાખ ૧૦ હજાર બેગમાં મૂકીને ૧૩૨ ફૂટ રીંગ રોડ પરથી ઘરે જઈ રહ્યો હતો.
ત્યારે અંધજન મંડળની સામે આવેલી સમરસ હોસ્ટેલ પાસે રાત્રિમાં સવા અગિયાર વાગ્યાની આસપાસ એક સ્પલેન્ડર મોટર સાયકલ ચાલકે પાછળથી તેના એક્ટિવાને સામાન્ય ટક્કર મારી હતી. જોકે, ફરિયાદી યુવક પડતા પડતા રહી જતા તેણે એક્ટિવા ઊભું રાખી દીધું હતું. જ્યારે આ બાઈક ચાલક એક્ટિવાની બ્રેક કેમ મારી તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો.
એવામાં અન્ય એક શખ્સ ચાલતો ચાલતો આવ્યો હતો અને શું થયું, કેમ ઝઘડો છો કહીને ફરિયાદી યુવકની આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. બાદમાં બંને શખ્સો ફરિયાદી પાસે રહેલા રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા.
જોકે, આ અંગેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા હાલમાં પોલીસ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે છે તે જોવાનું રહ્યું.
થોડા દિવસ પહેલા પણ લૂંટની એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરના ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર થયેલા ફાયરિંગ વિથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહેસાણાના એક શખ્સે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટિપ આપી હતી અને તે કાવતરું ઘડનાર તમામ લોકોની મુલાકાત જેલમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. લૂંટ કરી આરોપીઓ ભાગ્યા અને ભાગ પાડવા સરદારનગરમાં ભેગા થયા હતા. ત્યાં જ પીઆઇ ચિરાગ ટંડેલને બાતમી મળી અને તેમની ટીમ સાથે ત્રાટકયાને તમામ લોકો ઝડપાઇ ગયા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર