ન્યૂઝ18 ગુજરાતીઃ બીજી ડિસેમ્બરના રોજ લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવા મામલે પોલીસ યશપાલસિંહ નામના યુવકની શોધખોળ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે યશપાલ જ પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે. યશપાલ દિલ્હીની કોઈ વ્યક્તિ પાસેથી આ પેપર લઈને આવ્યો હતો. બે દિવસથી યશપાલનું નામ મીડિયામાં ચમકી રહ્યું છે, પરંતુ તેના બે અલગ અલગ નામ મીડિયામાં ચમકી રહ્યા છે. યશપાલસિંહ સોલંકી અને યશપાલસિંહ ઠાકોર એવા બે નામ સામે આવ્યા છે.
સોલંકી કે ઠાકોર?
મળતી માહિતી પ્રમાણે પેપર લીક મામલે કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં વડોદરા કોર્પોરેશનના ફાઈલેરિયા વિભાગમાં કામ કરતાં યશપાલસિંહ સોલંકીનું નામ નોંધાયું છે. બીજી તરફ આશ્ચર્યની વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓ કહે છે કે સોલંકી અટકનો કોઈ કર્મચારી અહીં કામ કરતો નથી. જે કર્મચારી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો તેનું નામ યશપાલસિંહ ઠાકોર છે. એટલે કે પોલીસ ચોપડે અને કોર્પોરેશનના ચોપડે અલગ અલગ નામ નોંધાયેલા છે.
કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે યશપાલસિંહ ઠાકોર 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તેમજ છેલ્લા 21 સપ્ટેમ્બર પછી તે નોકરી પર આવ્યો નથી. તેનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થવામાં જ હતો. પેપર લીક કાંડ બાદ તેનો મોબાઇલ નંબર પણ બંધ આવી રહ્યો છે. યશપાલસિંહ ફાઇલેરિયા શાખામાં હેલ્થ વર્કર તરીકે કામ કરતો હતો. વડોદરા કોર્પોરેશનના ડે. કમિશ્નર એસ.કે.પટેલે જણાવ્યું હતું કે 8મી ઓગસ્ટના રોજ યશપાલની 11 મહિનાના કોન્ટ્રાકટ પર ભરતી થઇ હતી.
લોક રક્ષક દળના પેપર લીક મામલે જેનું નામ લેવામાં આવે છે તે યશપાલસિંહને તેના ગામના લોકોએ ઓળખવાનો ઇન્કાર કર્યો છે. લોકોનાં કહેવા પ્રમાણે યશપાલ બહુ લાંબા સમયથી ગામ બહાર જ રહે છે. આથી ગામ સાથે તેનો કોઈ સંપર્ક નથી. યશપાલ મહિસાગર તાલુકાના લુણાવાડા તાલુકાના મુવાડા ગામનો રહેવાશી હોવાનું માલુમ પડ્યું છે.
કેવી રીતે થયો પેપર લીકનો પર્દાફાશ
- જેનું નામ સૂત્રધાર તરીકે લેવામાં આવે છે તે યશપાલસિંહ દિલ્હીથી કોઈ ગુજરાતી જાણતા વ્યક્તિ પાસેથી આ પેપર લાવ્યો હતો. આ ગુજરાતી જાણનાર વ્યક્તિ કોણ છે તેનો ખુલાસો થયો નથી.
- યશપાલે આ જવાબો ભાજપના મનહર પટેલને વેચ્યા હતા. મનહર પટેલે આ જવાબો રૂપલ શર્મા અને ભાજપના મુકેશ ચૌધરીને વેચ્યા હતા.
- વાયરલેસ પીએસઆઈ પી.વી. પટેલે રૂપલ શર્મા પાસેથી તેમના સગાં-સંબંધીઓ માટે આ પેપર ખરીદ્યા હતા.
- રૂપલે આ પેપર સાચા છે કે નહીં તેની ખરાઈ માટે પી.એસ.આઈ ભરત બોરાણાનો સંપર્ક કર્યો. ભરત બોરાણાએ આ અંગેની જાણ પોલીસ ભરતી બોર્ડના વિકાસ સહાયને કરી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર