મયુર માકડિયા, અમદાવાદઃ રાજ્યમાં ખાણી પીણી બજારના અનેક નાના દુકાનદારો અને લારીવાળા ફેરિયાઓ ખોરાક રાંધવા અને પીરસવા સમયે સ્ચ્છતા અને હાઇજીન પ્રત્યે ખુબ બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે નાના દુકાનદારો અને ફેરિયાઓએ પણ ખોરાક રાંધતા-પિરસતા સમયે સ્વચ્છ એપ્રોન અને હાથમાં મોજા-કેપ પહેરવા ફરજીયાત છે.
રાજ્યના નાગરિકોના આરોગ્યને ધ્યનમાં રાખી રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્યમાં ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા તમામ નાના મોટા વેપારી, દુકાનદારો અને ફેરિયાઓએ ખોરાકને રાંધવા અને પીરસવા સમયે હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું પડશે, વર્તમાન સમયમાં મોટા ભાગના વેપારી, દુકાનદાર અને ફેરિયાઓએઆ નિયમનું પાલન નથી કરતા ત્યારે હવે આ તમામ લોકોએ સ્વસ્છ એપ્રોન, હાથના મોજા અને કેપ ફાજિયાત ફેરવી પડશે.
આ મામલે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ખોરાક પકવતા અને ગ્રાહકોને ખોરાક પીરસતા સમયે સ્વચ્છતા સંબધિત યોગ્ય કાળજી નહીં લેવામાં આવે તો જેતે સંબધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે રાજ્યના કોઈ પણ નાગરિક આ પ્રકારના ખોરાકથી બીમાર ન પડે તેની તકેદારીના ભાગ રૂપે સરકાર દ્વારા ખાણી-પીણીના વેચાણ કરનાર વેપારીઓ સામે સ્વચ્છતા માટે લાલ આંખ કરવામાં આવી છે.