સંજય જોષી, અમદાવાદ : અમદાવાદ શહેરમાં મંગળવારે સવારે વીજળીના કડાકા અને ભડાકા સાથે સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો હતો. સવારે વરસાદની સાથે સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાય ગયું હતું. ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજી તરફ વીજળીના કડાકા અને ભડાકાને કારણે લોકો ડરી ગયા હતા. અમદાવાદના સાઉથ બોપલ નજીક આવેલા શેલા વિસ્તારમાં એક બિલ્ડિંગ પર વીજળી પડી હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. શેલા વિસ્તારમાં આવેલા સારથ્ય બિલ્ડિંગના ઉપરના ભાગે વીજળી પડી હતી.
ન્યૂઝ18 ગુજરાતીની ટીમે વીજળી પડ્યાની ઘટના બાદ સારથ્ય બિલ્ડિંગની મુલાકાત લઈને ત્યાંની રહીશો સાથે વાતચીત કરી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે આશરે 10 વાગીને 27 મિનિટે તેમના બિલ્ડિંગની ઉપર આવેલી પાણીની ટાંકી પર વીજળી પડી હતી. લોકોનાં કહેવા પ્રમાણે આ પહેલા ગત અઠવાડિયે ગુરુવારે પણ તેમના બિલ્ડિંગ પર વીજળી પડી હતી. રહીશોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ આ બિલ્ડિંગ પર ત્રીજી વખત વીજળી પડી છે.
ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા બિલ્ડિંગના રહીશોએ જણાવ્યું હતું કે વીજળી પડવાને કારણે તેમના એ, બી અને ઈ બ્લોકની પાણીની ટાંકીની દીવાલને નુકસાન થયું છે. સાથે જ રહીશોએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે ત્રણ-ત્રણ વખત વીજળી પડી હોવા છતાં બિલ્ડિર તરફથી કોઈ વ્યક્તિ ફરક્યું નથી તેમજ ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ આપવામાં આવતો નથી.
બોમ્બ ફૂટ્યો હોવાનો અનુભવ થયો
સારથ્ય બિલ્ડિંગના રહીશોએ જણાવ્યું કે બિલ્ડિંગમાં ઉપર અર્થિગ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી વીજળી પડવાને કારણે નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ લોકોએ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, "વીજળી પડતા જ જાણો બોમ્બ ફૂટ્યો હોવાનો અનુભવ થયો હતો. ફ્લેટના તમામ રહીશો ડરી ગયા હતા. ત્યાં સુધી કે ફ્લેટમાં રહેતા બાળકો રડી પડ્યાં હતાં. વીજળી પડવાને કારણે અમુક લોકોના ટીવી પણ ઉડી ગયા છે."