અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા જ કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને પગલે ભારત બંધની જાહેરાત કરી હતી. તેના બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી છે. ગુજરાતમાં મંગળવારે પાટણમાં પેટ્રોલની સૌથી વધારે કિંમત નોંધાઈ હતી. પાટણમાં આજનો પેટ્રોલની ભાવ પ્રતિ લીટર રૂ. 81.11 નોંધાયો છે.
મંગળવારે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રના પરભામીમાં પેટ્રોલની કિંમત રૂ. 90.05 પ્રતિ લીટર સુધી પહોંચી છે. દેશમાં પેટ્રોલની સૌથી વધારે કિંમત અહીં નોંધવામાં આવી છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 14 પૈસા વધીને રૂ. 88.26 સુધી પહોંચી છે, જ્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 80.87 પ્રતિ લીટર છે. ડીઝલની કિંમતમાં પણ 15 પૈસાનો વધારો નોંધાયો છે. મુંબઈમાં ડીઝલની કિંમત રૂ. 77.47 પ્રતિ લીટર, જ્યારે દિલ્હીમાં રૂ. 72.97 પ્રતિ લીટર છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 80.73 અને ડીઝલની કિંમત રૂ. 72.83 પ્રતિ લીટર હતી.
નોંધનીય છે કે મધ્ય ઓગસ્ટથી અત્યાર સુધી પેટ્રોલની કિંમતમાં રૂ. 3.79 પ્રતિ લીટર, જ્યારે ડીઝલની કિંમત રૂ. 4.21 પ્રતિ લીટર વધી છે. આનું મુખ્ય કારણ અમેરિકાની સરખામણીમાં ભારતીય રૂપિયાના મુલ્યમાં સતત થઈ રહોલો ઘટાડો છે.