Home /News /gujarat /ગાંધીનગર : અમિત શાહ માટે માત્ર જીત જ નહિ, લીડ મહત્વની રહેશે!

ગાંધીનગર : અમિત શાહ માટે માત્ર જીત જ નહિ, લીડ મહત્વની રહેશે!

ગાંધીનગર લોકસભા બેઠક

ગાંધીનગર લોકસભા બેઠક પર કોઈ ચોક્કસ જ્ઞાતિનું પ્રભુત્વ નથી કેમ કે મોટા ભાગનો મતવિસ્તાર શહેરી વિસ્તારમાં છે.

  ગુજરાતમાંથી લોકસભાની 26 બેઠકોમાં ભાજપ માટે સૌથી સલામત મનાતી બેઠકોમાં ગાંધીનગર બેઠક પણ એક છે. 1989ની ચૂંટણીમાં ભાજપરની ટિકિટ પર શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનાં કોકિલાબેન વ્યાસને 2,68,492 મતોની જંગી સરસાઈથી હરાવીને જીત્યા એ પછી કદી ભાજપે કદી આ બેઠક ગુમાવી નથી. ભાજપ માટે આ બેઠક એટલી સલામત ગણાય છે કે, 1991ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસે ફિલ્મ સ્ટાર રાજેશ ખન્નાને મેદાનમાં ઉતારતાં ગભરાઈ ગયેલા લાલકૃષ્ણ અડવાણી પોતાના માટે સૌથી સલામત બેઠકની શોધમાં હતા ત્યારે તેમણે આ બેઠક પર પસંદગી ઉતારેલી. અડવાણી એ વખતે બંને બેઠક પર જીતેલા પણ તેમણે ગાંધીનગર બેઠક જાળવી અને 1996ની ચૂંટણીને બાદ કરતાં એ પછીની દરેક ચૂંટણીમાં અડવાણી આ બેઠક પર જીતતા રહ્યા છે.

  ભાજપ આ બેઠકને પોતાનો ગઢ માને છે તેનો અંદાજ એ વાત પરથી પણ આવે કે, 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અટલ બિહારી વાજપેયી માટે 1991ના અડવાણી જેવી જ સ્થિતી પેદા થતાં ભાજપે સલામત બેઠક તરીકે ફરી ગાંધીનગર પર જ કળશ ઢોળ્યો હતો. 1996માં લખનૌ બેઠક પર અટલ બિહારી વાજપેયી સામે સમાજવાદી પાર્ટીએ ફિલ્મ સ્ટાર રાજ બબ્બરને મેદાનમાં ઉતારતાં ભાજપવાળા ગભરાયા હતા. વાજપેયી બંને બેઠક પરથી જીત્યા હતા ને પછી તેમણે ગાંધીનગર બેઠક છોડી દેતાં થયેલી પેટાચૂંટણીમાં ભાજપના વિજય પટેલ જીત્યા હતા. ટૂંકમાં, ગાંધીનગર બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે.

  ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી એ સાત વિધાનસભા મતવિસ્તારો આવે છે. આમ આ બેઠક માત્ર નામ પૂરતી ગાંધીનગર બેઠક છે, બાકી તેમાં વિસ્તારો તો અમદાવાદના જ છે. કલોલ અને ગાંધીનગર ઉત્તર એ બે વિધાનસભા મતવિસ્તારો ખરેખર ગાંધીનગરના છે. બાકીના પાંચ વિધાનસભા મતવિસ્તારો અમદાવાદના છે. તેમાંથી ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી એ ચાર મતવિસ્તારો તો અમદાવાદ શહેરના છે.

  શું છે સમસ્યાઓ?

  દિગ્ગજ નેતાઓ છતાં આ વિસ્તારમાં કોઈ જબરદસ્ત 'વિકાસ' થઇ ગયો હોય તેવું જણાતું નથી. મોંઘુ શિક્ષણ, આરોગ્ય સેવાઓનું ખાનગીકરણ, વધતું શહેરીકરણ, ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યાઓ અહીંના લોકોની મુખ્ય સમસ્યાઓ છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં સરકારી કર્મચારીઓની સંખ્યા નોંધપાત્ર છે. ભાજપ સરકારે સાતમા પગાર પંચ સહિતના લાભ નથી આપ્યા તેના કારણે સરકારી કર્મચારીઓ નારાજ છે. આ મતવિસ્તારમાં આસપાસનાં ગામડાંના મતદારો છે. આ મતદારોમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા વધારે છે. આ બધા જ ગામડાઓ મૂળભૂત વિકાસને હજુ ય ઝંખી રહ્યા છે. કલોલ વિધાનસભા મતવિસ્તારમાં પાટીદારો અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) અત્યારે બંને ભાજપથી નારાજ છે તેની અસર પણ પડશે. સાણંદ વિધાનસભા મતવિસ્તાર અત્યારે ભાજપ માટે સૌથી મોટો ખતરો છે. સાણંદ ખેડૂતોના આંદોલનનું કેન્દ્ર છે અને અત્યારે ખેડૂતોમાં ભાજપ સરકાર સામે કેવો આક્રોશ છે તે કહેવાની જરૂર નથી.

  કોની વચ્ચે છે જંગ ?

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના ડૉ.સી.જે.ચાવડા વચ્ચે આ બેઠક ઉપર સીધો જંગ છે.  સાંસદનું સરવૈયું :

  ભાજપના માર્ગદર્શક મંડળમાં રહેલા ગાંધીનગરના સાંસદ અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ છેલ્લા પાંચ વર્ષમાં આ બેઠક માટે ક્યારે અને શું કર્યું તે લાંબી ચર્ચાનો વિષય છે. ભાગ્યે જ કોઈ એવી નોંધપાત્ર બાબત હશે જે અહીં તેમના સરવૈયા માટે મૂકી શકાય તેમ છે.

  જાતિગત સમીકરણો :

  ગાંધીનગર લોકસભા બેઠક પર કોઈ ચોક્કસ જ્ઞાતિનું પ્રભુત્વ નથી કેમ કે મોટા ભાગનો મતવિસ્તાર શહેરી વિસ્તારમાં છે. જ્ઞાતિનાં સમીકરણો પ્રમાણે જોઈએ તો 15 ટકા પાટીદારો અને 15 ટકા ક્ષત્રિયો મુખ્ય છે. આ સિવાય મુસ્લિમ મતદારોની સંખ્યા 7 ટકાની આસપાસ છે. એ સિવાય બાકીના મતો અલગ અલગ જ્ઞાતિના છે. તેમાં દલિતો, ઓબીસી, બ્રાહ્મણ-વાણિયા-જૈન વગેરે લગભગ સરખી વસતી ધરાવે છે. ઘાટલોડિયા, નારણપુરા આ વિસ્તારોમાં સવર્ણો અને તેમાં પણ ઉત્તર ગુજરાતના પાટીદારો વિશેષ છે. આ બધા પરંપરાગત રીતે ભાજપના મતદારો છે. સાબરમતી વિસ્તારમાં પરપ્રાંતિયોની સંખ્યા નોંધપાત્ર છે. જો કે આખા લોકસભા મતવિસ્તાર પર પ્રભાવ પાડી શકે અને બેઠકનું પરિણામ નક્કી કરે તેવી કોઈ જ્ઞાતિ નથી.

  અનુમાન :

  ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ચૂંટણી જાહેર થયા બાદ માત્ર તેમની બેઠક માટે જ નહિ, ગુજરાત ભાજપની જેટજેટલી નબળી બેઠકો છે તેને દુરુસ્ત કરવા છાસવારે ગુજરાતની મુલાકાત લેતા રહ્યા છે. તેમણે પોતાના મતવિસ્તાર માટે બે-બે રોડ શૉ, જાહેરસભાઓ અને વોર્ડ વાઈઝ બેઠકો સાથે સોશ્યિલ, ટીવી અને ટેલિફોનિક પ્રચારની તમામ તરકીબો આપનાવી છે. આ બેઠક ઉપરથી લગભગ પાંચ-સાત લાખની સરસાઈથી જીતવું તેમના માટે આવશ્યક છે. સામે પક્ષે કોંગ્રેસ ભલે બહુ સક્રિય ન રહી હોય કિન્તુ સીજે ચાવડાની ગ્રામીણ, ક્ષત્રિય અને ઓબીસી મતદાતાઓ ઉપર પકડ લડતને સાવ જ નીરસ નહિ બનવા દે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Amit shah, Gandhinagar S06p06, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat lok sabha election 2019, એલ.કે.અડવાણી, કોંગ્રેસ, ભાજપ, લાલકૃષ્ણ અડવાણી, લોકસભા ચૂંટણી 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन