Home /News /gujarat /અમદાવાદ પૂર્વ બેઠક : ભાજપ પ્રબળ દાવેદાર, પાટીદારો નિર્ણાયક

અમદાવાદ પૂર્વ બેઠક : ભાજપ પ્રબળ દાવેદાર, પાટીદારો નિર્ણાયક

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક

સામાન્યતઃ આ બેઠક ભાજપની ગણાય છે. જો કે, આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું.

અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ 2008માં આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદ પશ્રિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ પૂર્વ. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમડના વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહી કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી. તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે.

આ બેઠક વટવા, નિકોલ, નરોડા, ઠક્કર બાપા નગર, બાપુનગર, દહેગામ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો વિસ્તારને આવરી લે છે. આ બેઠક પર 1989થી ભાજપનો ઉદય થયો. 1989થી આ બેઠક પર હરીન પાઠક ભાજપમાંથી ચૂંટણી લડતા અને જીતતા આવ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પર જાણીતા અભિનેતા પરેશ રાવલ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. જો કે, આ બેઠક ઉપર આ વખતે પરેશ રાવલ સામે વિરોધ હતો અને તેમને સ્વયં આ બેઠક છોડવાની વાત કરતા હવે ભાજપમાંથી અમરાઈવાડી બેઠક ઉપરના ધારાસભ્ય હસમુખ પટેલને આ બેઠક ઉપરથી ઉતારવામાં આવ્યા છે.

શું છે સમસ્યાઓ :

અહીં જીઆઈડીસી હોવા છતાં રોજગારીની સમસ્યા છે. આ ઉપરાંત, વિવિધ કંપનીઓ અને કારખાનાઓ દ્વારા પાણી અને વાયુનું પ્રદૂષણ અહીંના લોકોના આરોગ્ય માટે સૌથી મોટું જોખમ છે. સફાઈ, સેવાઓ, પશ્ચિમની સરખામણીએ પૂર્વ વિસ્તાર વિકાસથી ઘણુંખરું વંચિત રહી ગયો હોવાનું લોકો અનુભવી રહ્યા છે.

કોની વચ્ચે છે જંગ ?

ભાજપ તરફથી પરેશ રાવલને બદલે અમરાઈવાડીના સક્રિય ભાજપી ધારાસભ્ય હસમુખ પટેલને ટિકિટ આપી છે. હસમુખ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સતત બે વખત ચૂંટાઈને ધારાસભ્ય રહી ચૂક્યા છે. જયારે કોંગ્રેસ તરફે પાસ નેતા અને હાર્દિકના નજદીકી ગણાતા ગીતાબેન પટેલને ઉભા કરાયા છે. આ રીતે અહીં પાટીદાર વિરુદ્ધ પાટીદારનો જંગ થશે.



જ્ઞાતિ સમીકરણો

આ વિસ્તારમાં ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ક્ષત્રીય મતદારોની સંખ્યા પણ સવિશેષ છે. બાપુનગરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ વધારે છે. નિકોલ અને ઠક્કરબાપાનગરમાં ઉત્તર ભારતીય મતદારોનું વર્ચસ્વ વધુ રહ્યું છે. નરોડામાં સિંધી મતદારોની સંખ્યા વધુ છે જયારે પરંપરાગત રીતે વિધાનસભાની આ બેઠક પર સિંધી ઉમેદવાર જ જીતે છે.

સાંસદનું રિપોર્ટ કાર્ડઃ

છેલ્લા 5 વર્ષમાં પરેશ રાવલ પર આયાતી ઉમેદવાર તરીકે અનેકવાર આક્ષેપ થયા છે. કેટલીક વખત અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં સાંસદ મિસિંગના પોસ્ટર પણ લાગ્યા હતા. મતવિસ્તારમાં ગેરહાજર રહેનાર પરેશ રાવલની લોકસભામાં સતત હાજરી જોવા મળી છે. છેલ્લા 5વર્ષમાં પરેશ રાવલે જુદા-જુદા કાર્યક્રમોમાં 78 વખત અમદાવાદની મુલાકાત લીધી છે. પરેશ રાવલની 1.50 કરોડથી વધુની ગ્રાન્ટ તેમના દત્તક ગામ સહિત 7 વિધાનસભા તથા અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિકાસ કાર્યો માટે વાપરવામાં આવ્યો છે. પરેશ રાવલે પોતાની ગ્રાન્ટનો સૌથી મહત્તમ ઉપયોગ પ્રાથમિક શાળાઓ આંગણવાડી નિર્માણ પાછળ કર્યો છે.

અનુમાન:

સામાન્યતઃ આ બેઠક ભાજપની ગણાય છે. જો કે, આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું.
First published:

Tags: Ahmedabad East S06p07, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat lok sabha election 2019, કોંગ્રેસ, ભાજપ, લોકસભા ચૂંટણી 2019

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો