આણંદ: રાજ્યમાં કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આરોગ્ય મંત્રી જાહેર મેળવડામાં લોકોને ન જવા સતત ટકોર કરી રહ્યા છે. તો બીજી બાજુ કલાકારો ડાયરા કરવાનું ચુકતા નથી. આણંદના કલમસરમા કિર્તિદાનના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. હદ તો ત્યારે થઇ જ્યારે ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાડતા નજરે પડે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. જે ચિંતા ઉપજાવનારો હતો.
ધારાસભ્ય મયુર રાવલની હાજરી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આણંદના કલમસરમાં કિર્તીદાન ગઢવીના એક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ડાયરામાં ઉપસ્થિત લોકોએ તેમના કાર્યક્રમમાં રૂપિયા વરસાવ્યા હતા. અહીં આશ્ચર્યની વાત એ છે કે, કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. અહીં પણ કોરોના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યે જ માસ્ક પહેર્યુ ન હતું તો લોકોનું તો શું કહેવું.
પોલીસ આખી વાતથી અજાણ
કાર્યક્રમમાં ખીચોખીચ માણસો બેઠેલા હતા ન તો કોઇ સોશિયલ ડિસટન્સ હતુ ન તો બધાએ માસ્ક પહેર્યું હતુ. જાણે રાજ્યમાંથી કોરોના જતો રહ્યો હોય તેવા દ્રશ્યો દેખાયા હતા. આટલી મોટી સંખ્યામાં જનમેદની ભેગી થાય અને કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય પરંતુ આ બધી જ વાતોથી પોલીસ એકદમ અજાણ હોય તેમ આ કાર્યક્રમ માટે કોઇ જ તકેદારીના પગલા લીધા ન હતા.
અમેરિકામાં પણ કિર્તીદાને બોલાવી હતી ડાયરાની રમઝટ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં અમેરિકન ડોલરોનો વરસાદ થયો હતો. કિર્તીદાન ગઢવીએ લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ - ગીત ગાતા જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહમાં આવી ગયા હતા અને ડોલર ઉડાવ્યા હતા.
રાજ્યમાં કોરોનાના કેસ બેફામ રીતે વધી રહ્યા છે..આરોગ્ય મંત્રી જાહેર મેળવડામાં લોકોને ન જવા સતત ટકોર કરી રહ્યા છે.. પણ કલાકારો ડાયરા કરવાનું ચુકતા નથી. આણંદના કલમસરમા કિર્તિદાનના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો..હદ તો ત્યારે થઇ ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાડતા નજરે પડે છે. pic.twitter.com/wYTD7xFtjI
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે આજે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ રવિવારે કોરોના વાયરસના નવા 6275 કેસ નોંધાયા હતા. જ્યારે 1263 દર્દીઓ સાજા થયા હતા. ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 95.59 ટકા નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે આજે રવિવારે કુલ 19 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 2487 કેસ, સુરત કોર્પોરેશનમાં 1696 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 347 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 194 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સુરતમાં 183, ગાંધીનગર કોર્પોરેશનમાં 153, નવસારીમાં 118, વલસાડમાં 107, ભાવનગર કોર્પોરેશનમાં 98, કચ્છમાં 70, ભરૂચમાં 68, ખેડામાં 67, આણંદમાં 64, રાજકોટમાં 60, પંચમહાલમાં 57, ગાંધીનગરમાં 53, વડોદરામાં 51, જામનગર કોર્પોરેશનમાં 49, જૂનાગઢ કોર્પોરેશનમાં 45 કેસ નોંધાયા હતા
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર