અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે, ધર્મ કરતા ધાડ પડવી. આ કહેવત ને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના નરોડા (Ahmedabad, Naroda) રોડ પર બન્યો છે. શહેરમાં કિન્નરો (loot by Kinnar) દ્વારા ચોરીનો બીજો બનાવ સામે આવ્યો છે. નરોડા રોડ વિસ્તારમાં રહેતા એક મહિલા તેમના ભોજનાલય પર જઈ રહ્યા હતા. ત્યારે ઘરની બહાર નીકળતા ત્રણ કિન્નરો આવ્યા હતા અને ફરિયાદી મહિલા પાસે પીવાનું પાણી માગ્યું હતું. મહિલા પાણી લેવા માટે ગઈ તો કિન્નરો રૂપિયા 55 હજાર રોકડા ભરેલું પર્સ લઈને ફરાર થઈ ગયા હતા. જે બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કિન્નરોએ પીવા માટે પાણી માંગ્યુ હતુ.
નરોડા રોડ પર આવેલા શિવ એપાર્ટમેન્ટમાં રહેતા અમૃતાબેન ભાર્ગવ યુ. એન. મહેતા હોસ્પિટલની સામે ભોજનાલય ધરાવે છે. 23મી સપ્ટેમ્બરના દિવસે સવારે ઘરેથી ભોજનાલય જવા માટે નીકળ્યા હતાં. ત્યારે ઘરની બહાર ત્રણ કિન્નરો તેમને મળ્યા હતાં. જેમણે ફરિયાદી મહિલા પાસે પીવાનુ પાણી માંગ્યું હતું. મહિલા રૂપિયા 55 હજાર ભરેલું પર્સ અને સમાન ઘરની બહાર મૂકીને પાણીની બોટલ લેવા માટે ઘરમાં ગયા અને જ્યારે બહાર આવ્યા ત્યારે જોયું તો કિન્નરો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે, મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતા અને ફ્લેટમાં આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ કિન્નરો ક્યાંય મળી આવ્યા ના હતા.
થઇ પોલીસ ફરિયાદ
જે અંગેની જાણ મહિલાએ તેના પતિને કરતા તેના પતિ પણ ઘરે આવી પહોંચ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આસપાસના સી.સી.ટી.વી ફૂટેજ મેળવવાની પણ તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ પહેલા પણ બની હતી આવી ઘટના
થોડા દિવસો પહેલા શહેરના ગોમતીપુર વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. 26 વર્ષીય યુવતી તેના પતિ અને બાળક સાથે રહે છે. ગત તા.3ના રોજ સાંજે આ યુવતી તેના દીકરા સાથે ઘરે એકલી હાજર હતી. તે દરમિયાન તેનું ઘર તેણે અંદરથી બંધ રાખ્યું હતું. તે દરમિયાન કોઇ વ્યક્તિએ યુવતીના ઘરનો દરવાજો ખખડાવતા તે દરવાજા પાસે ગઇ હતી અને જોયું તો એક કિન્નર તેમના ઘરના દરવાજા પાસે ઊભા હતા. કિન્નરને આ યુવતીએ ઘરમાં અંદર આવવાનું કહેતા તે અંદર આવ્યા હતા અને બાદમાં યુવતીને કહ્યું કે તમારા ઘરમાં બાબાનો જન્મ થયો છે. જેથી યુવતીએ બે મહિના પહેલા બાબો આવ્યો હોવાનું કહેતાં આ કિન્નરે શીખના 5000 રૂપિયા માંગ્યા હતા. જેથી યુવતીએ આ કિન્નરને જણાવ્યું કે અગાઉ એક માસીબા આવ્યા હતા તેઓને 500 રૂપિયા શીખ આપી હતી. જેથી આ કિન્નરે યુવતીને જણાવ્યું કે પહેલાં જે માસીબા આવ્યા હતા તે નકલી છે અને હું અસલી આલિયા નામની માસીબા શું અને અમારા વિસ્તારમાં હું જ શીખ લેવા આવું છું.