સંજય ટાંક, અમદાવાદ : થોડા દિવસ પહેલા સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્રમાં સરકારે સ્કૂલ-કોલેજના બાળકો PUBG ગેમ ન રમે તે અંગે સંચાલકોને તાકીદ કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓ પબજી ગેમ ન રમે તે માટે જરૂરી પગલાં ભરવાના તેમજ તેમને આ ગેમ ન રમવા માટે સમજાવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, સરકારના આ પરિપત્રને ગાંધીનગરની એક કોલેજ ઘોળીને પી ગઈ છે. પબજી પર પ્રતિબંધની વાત તો જવા દો પરંતુ આ કોલેજે તો તેમના વિદ્યાર્થીઓને કોલેજમાં જ પબજી ગેમ રમાડી!
આવી 'હિંમત' કરીને આ કોલેજે એવું સાબિત કરી દીધું છે કે સરકાર ફક્ત પરિપત્ર બહાર પાડીને બેસી રહે છે. તેનો કેટલો અને ક્યાં અમલ થઈ રહ્યો છે તે જોવાની બિલકુલ તસ્દી લેવામાં આવતી નથી અથવા પરિપત્રનો અમલ કરાવવાની કડક સૂચનાઓ આપવામાં સરકાર ઉંણી ઉતરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે ખાતરજ ખાતે આવેલી આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે તેના 150 વિદ્યાર્થીઓને પબજી ગેમ રમાડી હતી. કોલેજ તરફથી આ ગેમનો પ્રોત્સાહન આપવામાં આવતા એક સામાજીક કાર્યકરે આ અંગે સરકારને પત્ર લખ્યો છે. સામાજીક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગૃહમંત્રી, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને આ અંગે અરજી કરી છે.
અરજીમાં કાર્યકરે આરોપ લગાવ્યો છે કે આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે પબજી ન રમવા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાને બદલે વિધાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે. સામાજીક કાર્યકરે તેમની અરજીમાં કોલેજ સંચાલક અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
અરજીમાં લખવામાં આવ્યું છે કે, જે ગેમનુ દુષણ વિધાર્થીઓને હેરાન કરે છે તે જ દુષણને કોલેજ પ્રોત્સાહન આપી રહી છે. આવી ભુલ બીજી કોઈ કોલેજ ન કરે તે માટે કડક પગલા લેવા જરૂરી છે.
સામાજીક કાર્યકરની આ અરજી પર સરકાર કેવા પગલાં ભરે છે એ તો હવે આગામી સમય જ બતાવશે, પરંતુ એક વાત નક્કી છે કે પરિપત્ર બહાર પાડવામાં જેવો ઉત્સાહ બતાવવામાં આવે છે તેવો તેનો અમલ નથી થઈ રહ્યો.