ખંભાત જૂથ અથડામણ મામલો: સરકારે શહેરમાં અશાંત ધારા લાગુ કરવાનું નક્કી કર્યું

News18 Gujarati
Updated: February 25, 2020, 5:02 PM IST
ખંભાત જૂથ અથડામણ મામલો: સરકારે શહેરમાં અશાંત ધારા લાગુ કરવાનું નક્કી કર્યું
ખંભાતમાં જૂથ અથડામણ

47 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી - વારંવાર ઘટનાઓ બને છે તે તમામ વિસ્તારમાં અશાંત ધારો અમલ કરાશે

  • Share this:
ખંભાત શહેરમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા બગડી જવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. આ મામલાને સરકારે ગંભીરતાથી લઈ શહેરમાં જે વિસ્તારમાં વારંવાર આવી ઘટનાઓ બને છે ત્યાં અશાંત દારાનો અમલ કરવાનું નક્કી કર્યું છે.

આ મામલે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ખંભાતમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ બાદ શહેરમાં શાંતીનો માહોલ બગાડવાનો જે લોકોએ પ્રયાસ કર્યો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યો છે.

તેમણે કહ્યું કે, ખંભાતમાં અશાંતી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા, મુખ્ય ગૃહ સચિવ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજી આ મામલાની જાણકારી મેળવી હતી. અને અશાંતી ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં 47 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે. સાથે તત્કાલીન પગલે ખંભાતમાં એસીપીની નિમણુક કરવામાં આવી છે, જેથી કાયદો વ્યવસ્થા મુદ્દે સારી રીતે પગલા ભરવામાં આવી શકે. આ સિવાય ખંભાતમાં જે વિસ્તારમાં આ પ્રકારની વારંવાર ઘટનાઓ બને છે તે તમામ વિસ્તારમાં અશાંત ધારો અમલ કરવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં 23મી ફેબ્રુઆરીનાં રોજ જૂથ અથડામળમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેના પગલે આજે આખું શહેર બંધ છે આ સાથે સઘન પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. હાલ અહીં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. નોંધનીય છે કે, સોમવારે મોડી સાંજે શહેરની મીરાસૈયદઅલીની દરગાહ પાસે કોંમ્બિગ દરમ્યાન ટોળાએ પોલીસ પર હુમલો કરતાં ચાર જવાનોને ઈજા પહોંચી હતી. તો આ મામલે હિન્દુ સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને કારણે મોટી સંખ્યામાં લોકો ટાવર ચોક પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવ્યો હતો. ખંભાતમાં થયેલ રમખાણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

અજંપાભરી સ્થિતિને થાળે પાડવા માટે શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ ખંભાતમાં ઉતારી દેવામાં આવી હતી. પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કર્યું હતું. તો ત્રીજા દિવસે પણ કેટલીય જગ્યાઓએ આગચંપીનાં બનાવો બન્યા હતા. તો ખંભાતના તમામ સ્કૂલ-કોલેજો અને બજારો બંધ છે.

રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. જેમાં બે કોમનાં ઘરોમાં પથ્થરમારો કરી તોડફોડ અને આગચંપી કરાઈ હતી. સોમવારે આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં SOGના હેડ કોન્સ્ટેબલ નહસિંહભાઈ ઘાયલ થયા હતા. તો ગેસ ગોડાઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી.મહત્વનું છે કે, બે દિવસ પહેલા આણંદમાં ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસને 6 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ સિવાય પોલીસે ટોળાને વિખેરવા માટે 25 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સ્થાનિક પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો અકબરપુરા પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. પોલીસે શહેરના લાલદરવાજા, ભોઈબારી, અકબરપુરા અને ભાવસારવાડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
First published: February 25, 2020
વધુ વાંચો
अगली ख़बर