અમદાવાદઃ ચેન્નાઈ બાદ હવે ગુજરાતમાં દેશની પ્રતિષ્ઠિત જ્વેલરી શોપ ચેઈન જોયાલુક્કાસ જ્વેલર્સ પર આઈટીના દરોડા પડ્યા છે. બુધવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે આવેલા શો-રૂમમાં આઈટી વિભાગે દરોડા કર્યા છે.
અમદાવાદમાં સીજી રોડ પર આવેલા જોયાલુક્કાસના શો રૂમમાં આઈટીએ સર્વે હાથ ધર્યો છે. એવી વિગતો સામે આવી રહી છે કે આઈટી વિભાગે ચેન્નાઈમાં દરોડા પાડ્યા હતા તે અંગે વધુ તપાસ કરતા તેનું પગેરું ગુજરાતમાં નીકળ્યું હતું. જેને લઈને ગુજરાતભરમાં આવેલા કંપનીના શો રૂમમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટમાં સવારથી જ યાજ્ઞિક રોડ પર આવેલા જોયાલુક્કાસના શો રૂમમાં આઈટીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો વડોદરા અલકાપુરી ખાતે આવેલા શો રૂમમાં પણ તપાસ ચાલી રહી છે. દરોડા બાદ મોટા પ્રમાણમાં ગેરકાયદે વ્યવહારો અને કાળુ નાણુ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.