Home /News /gujarat /

કોંગ્રેસના અમી યાજ્ઞિક-નારણ રાઠવા અને ભાજપના રૂપાલા અને માંડવીયા રાજ્યસભામાં જશે

કોંગ્રેસના અમી યાજ્ઞિક-નારણ રાઠવા અને ભાજપના રૂપાલા અને માંડવીયા રાજ્યસભામાં જશે

  રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી ચાર રાજ્યસભાની બેઠક પર કયા સાંસદ રાજ્યસભામાં જશે તેના પરથી હવે સ્પષ્ટ રીતે પડદો ઉઠી ગયો છે. રાજ્યસભામાં ગુજરાતમાંથી બે સાંસદ ભાજપના અને બે સાંસદ કોંગ્રેસના છે. જેમાં ભાજપ તરફથી પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા, જ્યારે કોંગ્રેસ તરફથી અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરિફ ચૂંટાશે.

  મળથી માહિતી મુજબ, રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે સત્તાવાર પક્ષ સિવાયના ઉમેદવારોએ આજે ફોર્મ પાછા ખેંચી લીધા છે, જેથી સ્પષ્ટ ચિત્ર સામે આવી ગયું છે કે, ભાજપના પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક હવે બિનહરીફ ચૂંટાશે.

  ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ગુજરાતની 4 બેઠક ખાલી પડી હતી, જેને લઈ ગુજરાતમાંથી 8 ઉમેદવારોએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી સત્તાવાર પક્ષ સિવાયના અન્ય 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચવાનો નિર્ણય લેતા. ભાજપના બે અને કોંગ્રેસના બે નેતાઓ હવે બિન હરિફ ચૂંટાઈ આવશે

  તમને જાણ ખાતર જણાવીએ કે, રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારને 37 ધારાસભ્યોના  મત મળવા જોઈએ. જ્યારે ગુજરાતમાં 99 બેઠક ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસે 80 બેઠક મેળવી હતી.

  રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી રોમાંચક રહી
  ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ રહી હતી, રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના 6 સભ્યો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપ તરફથી પરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા તથા કિરિટસિંહ રાણા (અપક્ષ)એ ફોર્મ ભર્યા હતા, જ્યારે કે કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકે અને પી કે વાલેરા(અપક્ષ) ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ બંને પક્ષ દ્વારા સામ-સામે ઉમેદવારો વિરુદ્ધ વાંધા અરજી દાખલ કરી. ત્યારબાદ કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી કોણ ઉમેદવાર રહેશે તેનું સસ્પેન્સ યથાવત રહ્યું હતું. આ બધા જ કારણે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી રોમાંચક બની હતી.

  ભાજપ - કોંગ્રેસ બંને પક્ષે સામ સામે ઉમેદવારો વિરુદ્ધ વાંધા અરજી કરી હતી
  નારણ રાઠવાને નો ડ્યૂ સર્ટિફિકેટ બાબતે ચૂંટણી અધિકારી સામે વાંધા અરજી કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે રાઠવાએ ફોર્મ સબમિટ કર્યા બાદ નો ડ્યૂ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ ઉપરાંત તેને રજૂ કરેલું નો ડ્યૂ સર્ટિફિકેટ પણ નિયમ વિરુદ્ધનું છે. ભાજપે રજૂઆત કરી હતી કે પાંચ એજન્સીઓના સર્ટી આવ્યા બાદ મુખ્ય નો ડ્યૂ સર્ટિફિકેટ આપવામાં આવે છે. રાઠવાએ એક વખત 2009નું નો ડ્યૂ સર્ટિફિકેટ આપ્યું હતું. બાદમાં 15 મિનિટમાં નવું સર્ટિ રજૂ કરી દીધું હતું. તો 15 મિનિટમાં સર્ટી ક્યાંથી આવી ગયું? તેમ કહી ચૂંટણી પંચમાં વાંધા અરજી કરી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી પણ ભાજપના ઉમેદવારના સરનામા અને સહીની બાબતને લઈને કોંગ્રેસ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

  ભાજપે કેમ વાંધા અરજી કરી હતી
  જે નો ડ્યૂ સર્ટિફિકેટ મામલે વિવાદ થયો, તે મામલે લોકસભાના સચિવે એક જવાબ આપ્યો છે. જે મુજબ નારણ રાઠવાને નો ડ્યુ સર્ટિફિકેટ બાર માર્ચે બપોરે સાડા ત્રણ કલાકે ઈસ્યુ થયું છે. નારણ રાઠવાએ તેમને નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવા માટેની વિનંતીભર્યો પત્ર બપોરે બે કલાક અને પચ્ચીસ મિનિટે મોકલ્યો હતો. ત્યારબાદ સંદર્ભ એજન્સીઓએ નો ડ્યુ સર્ટિફિકેટ આપવા માટેની પ્રક્રિયા બપોરે સવા ત્રણ વાગ્યે શરૂ કરી, અને ત્યારબાદ રાઠવાને બપોરે સાડા ત્રણ વાગ્યે નો ડ્યુ સર્ટિફિકેટ મળ્યું. હવે ભાજપ એજ સવાલ ઉઠાવે છે કે જો સવા ત્રણ વાગ્યે નો ડ્યુ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ હોય તો સાડા ત્રણ વાગ્યે માત્ર પંદર મિનિટમાં આ સર્ટિફિકેટ મળ્યું કેવી રીતે.

  રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે કોંગ્રેસની કેવી રહી મથામણ
  11મી માર્ચઃ રાતે 9-30 કલાકે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા.
  12મી માર્ચઃ સવારે 10 કલાકે, અમીબેન યાજ્ઞિકના નામ સામે સોનલ પટેલે વિરોધ નોંધાવતા રાજીનામું આપ્યું. તેમણે પાયાના કાર્યકર્તાઓની અવગણ કરવાનો આરોપ લગાવ્યો.
  બપોરે 12:21 કલાકેઃ નારણ રાઠવા ફોર્મ નહીં ભરે તેવી કોંગ્રેસમાંથી અકટળો ચાલુ થઈ.
  બપોરે 12:42 કલાકેઃ રાઠવાની જગ્યાએ રાજીવ શુક્લાની ઉમેદવારોની અટકળો વહેતી થઈ.
  બપોરે 1-00 કલાકેઃ રાઠવાના દસ્તાવેજો તૈયાર ન હોવાની અટકળો વહેતી થઈ.
  બપોરે 1-00 કલાકેઃ અમદાવાદ એરપોર્ટ પર રન વે બંધ હોવાની વાત સામે આવી. ખાસ પ્લેનથી રાજીવ શુક્લા અમદાવાદ આવવા નીકળ્યા હોવાના અહેવાલ વહેતા થયા.
  બપોરે 1:15 કલાકેઃ કોંગ્રેસના અમીબેને વિરોધ વચ્ચે ફોર્મ ભર્યું.
  બપોરે 1:40 કલાકેઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું રાઠવા જ ભરશે ફોર્મ, શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું ક નો ડ્યુ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.
  બપોરે 2-00 કલાકેઃ રાજીવ શુક્લ ફોર્મ નહીં ભરી શકે તો રાઠવા જ ફોર્મ ભરશે તેવી અટકળો વહેતી થઈ.
  બપોરે 2-35 કલાકેઃ કોંગ્રેસના નારણ રાઠવાએ રાજ્ય સભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું.
  બપોરે 2-40: રાઠવાએ ફોર્મ ભરતા ભાજપ તરફથી ત્રીજા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ભાજપ તરફથી કિરિટસિંહ રાણાએ ભર્યું ફોર્મ.
  બપોરે 2-48: કોંગ્રેસના પી કે વાલેરાએ અપક્ષ તરીકે ભર્યું ફોર્મ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Two, કોંગ્રેસ, ગુજરાત, નેતાઓ, ભાજપ, રાજ્યસભા

  આગામી સમાચાર