ગુજરાતના થોડા થોડા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના (IMD) કહેવા પ્રમાણે ગુજરાતીઓને ગરમી અને બફારામાંથી જલ્દી રાહત મળશે.
IMD આગહી કરી છે કે દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારો, દમણ તથા દાદર અને નાગર હવેલીમાં સોમવારે ભારે વરસાદ પડી શકે છે. તેમણે તે પણ કહ્યું છે કે દીવ અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કચ્છમાં વરસાદ પડવાની હજી કોઇ શક્યતા દેખાઇ નથી રહી.
સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન સુધી રાજ્યમાં વરસાદનું આગમન 15 જૂન સુધી થઇ જાય છે પરંતુ આ વખતે મોડો છે. સ્ટેટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ પ્રમાણે આ વખત સૌથી વધારે મોડો વરસાદ છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું થયું આગમન
વલસાડ જિલ્લામાં કાલે એટલે શુક્રવારે મોડીરાતથી વહેલી સવાર સુધી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુબીર 35 મીમી, વઘઈ 150 મીમી વરસાદ પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં આહવા 10 મીમી કરતા વધુ વરસાદ ખાબક્યો છે.
100 ટકા વરસાદની કરી હતી આગાહી
દેશની ખાનગી હવામાન આગાહી સંસ્થા સ્કાયમેટે આગાહી કરી હતી કે જૂનથી સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ થવાની પંચાવન ટકા સંભાવના છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં દુકાળ પડવાની કોઈ સંભાવના નથી. સ્કાયમેટે સરેરાશ કરતાં વધુ વરસાદની 20 ટકા સંભાવના હોવાનું અનુમાન કર્યું હતું. સ્કાયમેટે જણાવ્યું હતું કે 2018નાં ચોમાસા દરમિયાન 100 ટકા વરસાદ થઈ શકે છે. જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં 887 મિ.મી. વરસાદની સંભાવના છે, તેમાં પ્લસ-માઇનસ પાંચ ટકાનો વધારો-ઘટાડો રહી શકે છે. લોંગ પિરિયડ એવરેજનાં 96થી 104 ટકા વરસાદ થાય તો તે ચોમાસું સામાન્ય કહેવાય છે, એલપીએના 90 ટકા કરતાં ઓછા વરસાદને નબળું ચોમાસું અને 90થી 96 ટકાને સરેરાશથી નીચું ચોમાસું કહેવામાં આવે છે, જો એલપીએના 104થી 110 ટકા વધુ વરસાદ થાય તો તેને સરેરાશ કરતાં વધુ અને 110 ટકા કરતાં વધુ વરસાદ થાય તો અતિવૃષ્ટિ આવે છે.