Home /News /gujarat /

જલસા કરો'ને; તમે પાસ થઇ ગયા'ને બસ એટલે એન્જિનિયર બની જ ગયા સમજો !!

જલસા કરો'ને; તમે પાસ થઇ ગયા'ને બસ એટલે એન્જિનિયર બની જ ગયા સમજો !!

  ન્યૂઝ18 ગુજરાતી : છે'ને કમાલ ! દાયકા-દોઢ દાયકા પહેલા એન્જીયનીયર કે ડોક્ટર બનવું એક મહામૂલી અને મહેનતભર્યું સ્વપ્નું હતું. હજુ મેડિકલ એડમિશન મામલે આ બાબત કૈક અંશે સાચી ગણી શકાય પરંતુ ગુજરાતમાં ટેકિનિકલ શિક્ષણની જે 'મજા, સરળતા અને મોકળાશ' છે, તે જોતા હવે તમારું બાળક બસ પાસ થઇ જાય એટલે એન્જિન્યરિંગમાં પ્રવેશ મળી જાય તેવી સરસ વ્યવસ્થા આપણે ત્યાં છે !

  ના, ના કોઈ અતિશયોક્તિ નથી. "એડમિશન કમિટી ફોન પ્રોફેશનલ કોર્સીસ (ACPC)" ના જ આંકડા જોઈએ તો રાજ્યમાં 137 ઇજનેરી કોલેજોમાં 60937 ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરિંગની બેઠકો, જ્યારે ડિગ્રી અને ડિપ્લોમાં ફાર્મસીની 80 સંસ્થાઓની 5795 બેઠકો છે. મુદ્દે, ઇજનેરી-ફાર્મસીમાં આશરે કુલ 66,732 બેઠકો ઉપલબ્ધ છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ આ રહ્યા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછીના કારકિર્દીના વિકલ્પો

  હવે ધ્યાનથી વાંચો : આ વર્ષે આવેલું પરિણામ 71.90% છે. એટલે કે, 'એ', "બી" અને "એબી" તમામ ગ્રુપમાં શામેલ વિદ્યાર્થીઓને અગાઉના રીપીટર્સ સાથે જોડી લઈએ તો કુલ 1,23,860 પરીક્ષાર્થીઓ પૈકી 89,060 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવા પાત્ર” ઠરેલ છે. જે પૈકીના 'એ' અને 'એબી' ગ્રુપ મળીને કુલ 38,966 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. અહીં આપણે 'બી'ગ્રુપની ચર્ચા નહિ કરીયે તો પણ લગભગ દોઢ ગણી બેઠકો 'ઉત્તીર્ણ' ઉમેદવારો કરતા વધારે છે, સાહેબ ! મતલબ, વાલીઓ, મમ્મી-પપ્પાઓ ચિંતા ન કરશો, ખાલી ખિસ્સા ગરમ રાખજો તમારું બાળક ચોક્કસ એન્જીનીયરીંગમાં એડમિશન પ્રાપ્ત કરી જ લેશે ! હા, એ અલગ વાત છે કે તે કેવું શિક્ષણ પામશે, તેને કેવી તાલીમ મળશે અને તેને નોકરી મળશે કે નહિ ?

  આપણી સરકાર શિક્ષણ સુધારણા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. વર્ષ દરમિયાન શાળા પ્રવેશોત્સવથી લઈ ગુણોત્સવ સુધીના વિવિધ કાર્યક્રમો કરવા છતાં ધોરણ 12ના પરિણામમાં રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 42થી ઘટીને 35 થઈ ગઈ છે જ્યારે 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં લગભગ 90 ટકાનો વધારો થઈ 26થી વધીને 49 થઈ છે. વળી, દીવ સિવાય રાજયના 10 જિલ્લાઓ : પાટણ, દાહોદ, નર્મદા, ડાંગ, અરવલ્લી, છોટાઉદેપુર, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને મહીસાગર એવા છે જ્યાં 'એ-1" અંતર્ગત માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા "શૂન્ય" છે !

  એક તરફ રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ પાછળ 1.13 લાખ કરોડનો ખર્ચ કર્યો છે અને રાજ્યમાં હાલની સ્થિતિએ ડ્રોપ આઉટ રેશિયો 1.42% નોંધાયો છે. બીજી તરફ ભણતરથી મૂલ્યો તો ઠીક ચોરી કરવાનું પ્રમાણ વિદ્યાર્થીઓમાં વધી રહ્યું છે. મતલબ કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાની ચોરી અટકાવવા માટે પરીક્ષાર્થીઓ પર સીસીટીવીથી લઈ સજ્જડ સુરક્ષા ગોઠવે છે, છતાં આ વર્ષે પરીક્ષામાં કોપી કેસની સંખ્યા ગત વર્ષની તુલનાએ ત્રણ ગણી વધી છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Admission, Board Result, Gujarat Education

  આગામી સમાચાર