હર્મેશ સુખડીયા, અમદાવાદ : નવો મોટર વ્હીકલ એક્ટ ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. કેટલાક ટ્રાફિકના દંડથી બચવા માટે ટ્રાફિકના નિયમનું પાલન કરવા લાગ્યા છે, તો કેટલાક દંડથી બચવા માટે નવા નવા રસ્તા શોધી રહ્યા છે. એવામાં અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગર બાઈક ચાલકને રોક્યો તો, દંડથી બચવા બાઈક પર સવાર બે યુવકો મેમો બુકને ભાગવા લાગ્યા.
દેશ સહિત હવે રાજ્યમાં પણ ટ્રાફિક નિયમો ન પાળનારા લોકો સામે પોલીસે તવાઇ બોલાવી છે. ત્યાં હજુ રોડ રસ્તા સારા ન મળતા લોકો દંડની સામે રોષ ઠાલવી રહ્યા છે. તેવામાં વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક પોલીસે એક બાઇક પર જતા બે લોકોએ હેલમેટ ન પહેર્યું હોવાથી રોક્યા તો બંને શખ્સો પોલીસની મેમો બુક લઇને ભાગવા જતા હતા. ત્યાં ટ્રાફિક પોલીસે પકડી પાડી બંનેને કારંજ પોલીસના હવાલે કર્યા હતા.
ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનની વિક્ટોરિયા બીટ ચોકી પર દિપસિંહ નાથાભાઇ નામના કોન્સ્ટેબલ ફરજ પર હતા. ત્યારે ત્યાંથી એક બાઇક પર લોકો પસાર થતા હતા. ત્યારે તે લોકોએ હેલમેટ ન પહેર્યું હોવાથી ટ્રાફિક પોલીસે રોક્યા હતા.
પોલીસે રોકતા જ બંનેએ બાઇક તો ધીરે કર્યું પણ જેવા પોલીસ જવાન નજીક આવ્યા કે તરત જ તેમના હાથમાં રહેલી મેમો બુક લઇને ભાગવા જતા હતા. ટ્રાફિક પોલીસે બંનેન પકડી નામ પૂછતા ગૌરાંગ વોરા અને ગીરીશ પરમાર હોવાનું સામે આવ્યું હતું. બંને ટ્રાફિક પોલીસને પાઠ ભણાવવા અને દંડનો રોષ ઠાલવવા આ રીતે ભાગવા જતા હોવાની કબૂલાત કરતા બંનેને કારંજ પોલીસના હવાલે કરતા પોલીસી ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ અંગે કારંજ પોલીસસ્ટેશનના પીઆઇ એફ એમ નાયબનું કહેવું છે કે બંને સામે આઈપીસી 379 એ 3 એટલે કોઈ વસ્તુ ઝુટવવી, 356 કોઈ વ્યક્તિ પાસે રહેલી વસ્તુની ચોરી કરવી, 228 સરકારી કર્મીને અપમાન કરવો, 186 સરકારી કામમાં અડચણ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી તેઓને આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા.