Home /News /gujarat /જો ગૌરી લંકેશ જીવિત હોત, તો ‘અર્બન નક્સલ’નાં લિસ્ટમાં હોત: જીજ્ઞેશ મેવાણી
જો ગૌરી લંકેશ જીવિત હોત, તો ‘અર્બન નક્સલ’નાં લિસ્ટમાં હોત: જીજ્ઞેશ મેવાણી
જિજ્ઞેશ મેવાણીએ કહ્યુ કે, ગૌરી લંકેશની હત્યાના એક વર્ષ નિમિત્તે, તેમના મૃત્યુ પછી બંધ પડેલી ‘લંકેશ પત્રિકે’ ફરીથી શરૂ કરાશે. અમે બધા એક સાથે કહીશું કે, અમે બધાંય ગૌરી લંકેશ છીએ’.
જિજ્ઞેશ મેવાણીએ કહ્યુ કે, ગૌરી લંકેશની હત્યાના એક વર્ષ નિમિત્તે, તેમના મૃત્યુ પછી બંધ પડેલી ‘લંકેશ પત્રિકે’ ફરીથી શરૂ કરાશે. અમે બધા એક સાથે કહીશું કે, અમે બધાંય ગૌરી લંકેશ છીએ’.
કર્ણાટકાના પત્રકાર ગૌરી લંકેશની હત્યાને આજે (બુધવારે) એક વર્ષ પુરુ થયું છે. દેશમાં ગરીબોનાં હક્તો, માનવ અધિકારના કર્મશીલો, છેવાડાનાં માણસ માટે લડનારા અને રેશનાલિસ્ટો, સૌ માટે ગૌરી લંકેશની હત્યા એક આઘાત સમાન હતી.
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગૌરી લંકેશ સાથે વિશેષ નાતો ધરાવતા હતા અને તેમને નિયમીત રીત મળતા હતા. ગૌરી લંકેશની હત્યાને એક વર્ષ થતા આજે બેંગ્લુંરુમાં એક કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જિજ્ઞેશ મેવાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે.
જિજ્ઞેશ મેવાણીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, “ગૌરી લંકેશ એક નિડર પત્રકાર હતા અને શોષિતોનો અવાજ હતા. જો આજે ગૌરી લંકેશ જીવિત હોત, તો હાલની મોદી સરકાર ગૌરી લંકેશને 'અર્બન નક્સલવાદી'ના લિસ્ટમાં ગણત.”
જિજ્ઞેશ મેવાણીએ ગૌરી લંકેશ સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, “ગૌરી લંકેશ મને દિકરાની જેમ રાખતા. હું જ્યારે પણ કર્ણાટકામાં જાંઉ તો તેમને હઠાગ્રહ હોય કે, મારે તેમના ઘરે જ ઉતરવાનું. કોઇ પણ સંજોગોમાં. તેમની હત્યાના 14 દિવસ પહેલા જ, હું તેમના ઘરે હતો. અમારી વાતચીત દરમિયાન, તેમણે એવો ઉલ્લેખ કરેલો કે, મારા લખાણોથી સંઘ પરિવાર (રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ) ખુબ નારાજ છે. પણ આ પછી જ્યારે તેમની હત્યાના સમાચાર આવ્યા ત્યારે અમારા સૌ માટે આઘાતના સમાચાર હતા. આ ઘટના હિંદુત્વવાદી સંગઠનોને રાજકીય પીઠબળ મળી રહ્યાનાં સંકેતો સમાન હતી. મહારાષ્ટ્ર્માં રેશનાલિસ્ટ નરેન્દ્ર ડાભોલકરની પણ હિંદુત્વવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોએ જ કરી હતી. આ તમામ તત્વોને હાલ રાજકીય છત્રછાયા મળી રહી છે. દેશ એક વિશેષ પ્રકારની કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે.”
જિજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યુ કે, ગૌરી લંકેશની હત્યાના એક વર્ષ નિમિત્તે, તેમના મૃત્યુ પછી બંધ પડેલી ‘લંકેશ પત્રિકે’ ફરીથી શરૂ કરવામાં આવશે અને અમે બધા એક સાથે કહીશું કે, અમે બધાંય ગૌરી લંકેશ છીએ’.
જિજ્ઞેશ મેવાણીએ એમ જણાવ્યુ કે, ગૌરી લંકેશ હત્યાકેસમાં કર્ણાટકા પોલીસે મહત્વની કામગીરી કરી છે અને પોલીસનો આ ક્ષણે આભાર માનવો જોઇએ. કેમ કે, ગૌરી લંકેશની હત્યા કેસની તપાસમાં જે વિગતો બહાર આવી છે તે જોતા એમ જણાય છે કે, પોલીસ આ કેસને યોગ્ય દિશામાં લઇ જઇ રહી છે.”
“ગૌરી લંકેશની લડત ચાલુ રહેશે. તેમના જવાથી કર્ણાટકાએ એક નિડર અવાજ ગુમાવ્યો છે પણ અનેક લોકો તેમનો અવાજ બનશે અને તેમના સપનાને આગળ લઇ જશે” મેવાણીએ અંતમાં ઉમેર્યુ હતું.