લખનઉઃ પાસ નેતા હાર્દિક પટેલ બુધવારે ઉત્તર પ્રદેશનમાં ચાલી રહેલા કલ્કી મહોત્વસમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. અહીં પત્રકારે સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે દેશના શહેરોના નામ બદલવાની શરૂ થયેલી ઝુંબેશ પર ટિપ્પણી કરી હતી. યુપીમાં હાર્દિકે કહ્યું હતું કે અહીં બેરોજગારી મોટા પ્રમાણમાં છે, જેના કારણે યુવાધન ભટકી રહ્યું છે.
125 કરોડ લોકોનું નામ રામ રાખી દો
ફૈઝાબાદનું નામ અયોધ્યા અને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત અંગે પૂછાયેલા સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્યું કે, "જો આ દેશને ફક્ત શહેરોના નામ બદલીને સોનાની ચીડિયા બનાવી શકાતો હોય તો હું માનું છું કે દેશની 125 કરોડ જનતાનું નામ બદલીને રામ રાખી દેવું જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોના મોટા અને ગંભીર પ્રશ્નો છે ત્યારે આપણે નામ બદલવામાં અને પ્રતિમાઓ બનાવવામાં લાગ્યા છીએ."
રામ મંદિર મુદ્દે કરી ટિપ્પણી
હાર્દિકે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, "ઉત્તર પ્રદેશમાં ભાજપ વોટબેંક માટે રામ મંદિરનો મુદ્દો ઉઠાવી રહી છે. ગુજરાતમાં દરેક ગામમાં રામ મંદિર છે અને અયોધ્યામાં કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં જ મંદિર નથી બનાવી શકાયું. આ મામલે ભાજપ જાણી જોઈને રાજકારણ કરે છે. ભાજપ રાફેલ, આરબીઆઈ જેવા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે રામ મંદિરનો મુદ્દો ઉછાળી રહ્યું છે. ભાજપ અને આરએસએસ દેશનો માહોલ ખરાબ કરી રહ્યું છે, આ યોગ્ય નથી. મુદ્દાઓને ભટકાવવા માટે જગ્યાઓના નામ બદવામાં આવી રહ્યા છે."
દેશના ઐતિહાસિક સ્થળો અને શહેરોના નામ બદલવાની હોડ લાગી છે ત્યારે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના નામ બદલવાના પ્રસ્તાવને કથિત રીતે મંજૂરી ન આપવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. જુલાઈમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સર્વસહમતિથી નામ બદલવાનો પ્રસ્તાવ પસાર થયો હતો. નામ બદલવા પર બીજેપી પર પ્રહાર કરતા મમતા બેનરજીએ કહ્યું કે પોતાના હિતોની રક્ષા કરવા માટે બીજેપી દરરોજ ઐતિહાસિક સ્થળો અને સંસ્થાઓના નામ બદલી રહી છે, પરંતુ જ્યારે પશ્ચિમ બંગાળનું નામ બદલવાની વાત આવે છે ત્યારે તેમનું વલણ કંઈક અલગ જ જોવા મળે છે.
26મી જુલાઈના રોજ રાજ્યમાં સૌથી વધારે બોલાતી ભાષા, બંગાળી, હિન્દી અને અંગ્રેજીમાં પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવાનો પ્રસ્તાવ પસાર થયો હતો. જે બાદમાં આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયને મોકલી દેવામાં આવ્યો હતો. આ અંગે ગૃહ મંત્રાલયે હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો.