વડોદરા: તૃષા સોલંકીની (Trusha Solanki murder) હત્યાનાં આંસુ હજી વહી રહ્યા છે ત્યાં અન્ય એક યુવતીની હત્યા (girl murder in vadodara) કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. ડભોઇ (Dabhoi) તાલુકાના મંડાળા ગામની સીમમાંથી યુવતીની હત્યા થયેલી લાશ મળી આવી હતી. જેની તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીને તેના બનેવી સાથે અનૈતિક સંબંધ હતા. જેનાથી તેને ગર્ભ રહી ગયો હતો. જેથી મૃતક યુવતી બનેવીને લગ્ન કરવાનું દબાણ કરતી હતી. જેનાથી કંટાળીને બનેવીએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. હાલ ડભોઇ પોલીસે (Dabhoi Police) હત્યારા બનેવીને ઝડપી પાડ્યો છે.
25 માર્ચના રોજ લાશ મળી હતી
ડભોઇ પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મંડાળા ગામની 19 વર્ષીય યુવતીનો મૃતદેહ તારીખ 25 માર્ચના રોજ મંડાળા ગામના રહેવાસી દિપકભાઇ કાંતિભાઇ પટેલના દિવેલાના ખેતરના શેઢા ઉપરથી મળી આવ્યો હતો. જે બાદ કાંડીયાભાઇ બલીયાભાઇ વસાવાએ (મૂળ રહે.માંકડખલા, તા.ગરુડેશ્વર, જિલ્લો નર્મદા) અજાણ્યા હત્યારાઓ સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ ગુનાની તપાસમાં એલસીબી, એસઓજીની ટીમો પણ જોડાઇ હતી.
આરોપીની તસવીર
ગળે ટૂંપો આપી કરાઇ હતી હત્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કોઇ અજાણ્યા શખ્સોએ દુપટ્ટાથી ગળે ટૂંપો આપી યુવતીને મોતને ઘાટ ઉતારી છે. જે બાદ તેની લાશ ફેંકી દીધી છે. આ તપાસમાં હત્યારા મુકેશ ડુંગરા ભીલને ઝડપી લીધો હતો. આ અંગે ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ અને એલસીબી પીઆઈ રાઠોડએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારવામાં આવેલી યુવતીની હત્યા ચોક્કસ ક્યા સમયે કરવામાં આવી છે, હત્યા પહેલાં તેના ઉપર હત્યારાઓએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં, તે સહિત અન્ય હકીકત જાણવા ડભોઇ સરકારી હોસ્પિટલમાં મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત હત્યારાઓના સગડ મેળવવા એફએસએલ અને ડોગસ્વોડની મદદ લઈ તપાસ કરવામાં આવી હતી. તે સાથે શકમંદોની અને યુવતી સાથે સંબધ ધરાવતા વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરાઇ છે.
પોલીસ પૂછપરછમાં હત્યારા બનેવી મુકેશ કુમજીભાઇ ડુંગરાભીલે પોલીસ સામે અનેક ઘટસ્ફોટ કર્યા હતા. જેમા તેણે જણાવ્યુ હતુ કે, સાત મહિના પહેલા હું, મારી પત્ની અને સાસુ-સસરા સાથે મંડાળા ગામની સીમમાં જશભાઇ પટેલના ખેતરમાં ખેતીકામ માટે આવ્યા હતાં. ત્રણ માસ બાદ વધુ માણસોની જોઇતા હોવાથી મારા સસરા તેમની બીજી બે પુત્રીઓને પણ ખેતીકામ માટે લાવ્યા હતાં. આ સમય દરમિયાન મારો અને 19 વર્ષની સાળી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ હતાં. જેથી તેને ગર્ભ રહી ગયો હતો.
ગર્ભ રહી જતા અવારનવાર તે લગ્ન કરવાનું કહેતી હતી અને જો લગ્ન નહી કરે તો પિતાને જણાવી દઇશ તેમ કહેતી હતી. જેથી અમારી વચ્ચે વારંવાર ઝઘડો પણ થતો હતો. સાળીના દબાણના કારણે હું કંટાળી ગયો હતો અને તેને મારી નાંખવાનું નક્કી કરી તેને ખેતરમાં બોલાવી હતી અને તેનું ગળું દબાવી, દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.