Home /News /gujarat /

સ્વીટી પટેલ હત્યા કેસઃ બળેલા અવશેષોને DNA ટેસ્ટ માટે મોકલશે FBI પાસે, આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

સ્વીટી પટેલ હત્યા કેસઃ બળેલા અવશેષોને DNA ટેસ્ટ માટે મોકલશે FBI પાસે, આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

સ્વિટી પટેલ અને અજય દેસાઇની ફાઇલ તસવીર

Sweety Patel Murder: ક્રાઇમ બ્રાન્ચે 1290 પાનાની ચાર્જશીટમાં 12 જેટલા નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે મહત્વના પુરાવાઓ પણ ચાર્જશીટ સાથે ફાઇલ કર્યા છે.

વડોદરા : રાજ્યભરમાં ચકચાર મચાવનાર સ્વીટી પટેલ મર્ડર કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યા કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. આરોપી અજય દેસાઈ સામે નક્કર પુરાવાઓ એકત્ર કરવાની કવાયત રૂપે હવે સ્વીટી પટેલના અવશેષોના DNA પરીક્ષણ માટે અમેરિકાની ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચે 1290 પાનાની ચાર્જશીટમાં 12 જેટલા નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે મહત્વના પુરાવાઓ પણ ચાર્જશીટ સાથે ફાઇલ કર્યા છે.

અજય દેસાઇએ સ્વીટી પટેલની હત્યા કરીને કરજણમાં એક બંધ હોટલની પાછળ હિંદૂ રીવાજો અનુસાર તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. જે બાદ પોલીસને તે જગ્યાએ ખોદકામ કરતા સ્વીટીની આંગળીઓ, બંગડી, વીંટી અને 5 દાંતના હાડકા મળ્યા હતા. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને તેમાંથી DNA ટેસ્ટ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી હતી, ત્યારે તેમને દક્ષિણ ગુજરાતના દહેજ જીલ્લાના અટાલી ગામમાં આવેલ એક ખાલી હોટલની પાછળથી સળગેલા પુરાવાઓ મળ્યા હતા.

અવશેષો સંપૂર્ણ બળી જતા DNA ટેસ્ટમાં મુશ્કેલી

DCBએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, વડોદરા પોલીસે GSFLને DNA સેમ્પલિંગ માટે અવશેષો મોકલ્યા હતા, પરંતુ તે સંપૂર્ણ બળી ગયા હોવાથી તેઓ DNA મેળવી શક્યા ન હતા. બાદમાં જ્યારે કેસ અમદાવાદ DCBને ટ્રાન્સફર કરવામાં આવ્યો, ત્યારે અમે 10 ઓગસ્ટના રોજ અટાલી ગામની ખાલી હોટલમાં વધુ એક વખત તપાસ કરી હતી. જે દરમિયાન અમને હાડકાના વધુ 43 ટુકડા અને અડધા બળેલા મંગળસૂત્ર, વીંટી અને બંગડીઓના ટુકડા અને 5 દાઝી ગયેલા દાંત મળ્યા હતા. આ તમામ પુરાવાઓ પણ DNA ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, GSFLને નમૂના આપ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે અન્ય કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓના ફોરેન્સિક નિષ્ણાંતોને પણ બોલાવ્યા હતા અને તેઓ પણ DNA મેળવી શક્યા ન હતા.

જેલમાં બંધ છે આરોપી અજય દેસાઈ

સ્વીટી પટેલ મર્ડર કેસના મુખ્ય આરોપીઓ અજય દેસાઈ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજા હાલ જેલમાં બંધ છે. તેમની વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે.

આપને જણાવી દઇએ કે, ગાંધીનગર ખાતેથી રાસાયણીક, ભૌતિક અને ફોરેન્સિક રિપોર્ટ પણ મળી આવ્યા છે, જે તમામ પોઝીટીવ છે અને તેને પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

એક થ્રિલર મૂવી જેવી આ ઘટનામાં વડોદરા SOGમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર અજય દેસાઈ અને સ્વીટી પટેલ બંને લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને તેમનો એક દીકરો પણ છે. અજયે જૂન મહિનામાં સ્વીટીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યાના બીજા દિવસે અજય લાશને પોતાની ગાડીમાં લઇને અટાલી ગામે ગયો અને ત્યાં બંધ હોટલ પાછળ તેણે સ્વીટીના રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

આ પણ વાંચો - વડોદરા ચકચારી હત્યા કેસ: પત્નીની સામે જ મહેંદીએ સચિનને માર્યો હતો માર

અજયે સ્વીટી પટેલનો મૃતદેહ કેમિકલ નાંખીને સળગાવી દીધો હતો. કિરીટસિંહને પણ તેણે એવું કહ્યું કે તેની બહેન બીજા સમાજના યુવક સાથેના પ્રેમસંબંધોથી ગર્ભવતી થઇ જતાં તેને પરીવારજનોએ મોતને ઘાટ ઉતારી દીધી છે અને તેની લાશનો નિકાલ કરવા માટે તે આવ્યો છે. અજય પોતે કાયદાનો જાણકાર હોવાથી લાંબા સમયથી તે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસ અને નક્કર પુરાવાઓ બાદ તેણે સ્વીટીની હત્યાની વાત સ્વીકારી લીધી હતી.

આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. જોકે હવે DNA ટેસ્ટ માટે અવશેષોને અમેરિકામાં FBI પાસે મોકલ્યા બાદ સમગ્ર સત્ય બહાર આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Murder mystery, Sweety Patel, ગુજરાત, વડોદરા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन