ન્યૂઝ18 ગુજરાતી: અમદાવાદ સહિત ગુજરાતમાં HSRP નંબર પ્લેટ લગાડવાની મુદ્દત 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. અગાઉ સરકાર દ્વારા HSRP નંબર પ્લેટ લગાડવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. પરંતુ હજુ 1.20 કરોડ વાહનોમાં નંબર લગાવવાની બાકી છે.
સરકારે જાહેરાત કરી છે કે, હવે આગામી 28મી ફેબ્રુઆરી સુધી તેની સમય મર્યાદા વધારવામાં આવી છે. જોકે, આ લગભગ છઠ્ઠી વખત છે કે સરકારને HSRP નંબર પ્લેટ અંગેની સમય મર્યાદા વધારવી પડી છે.
સમગ્ર દેશમાં વાહન રજિસ્ટ્રેશન પ્લેટ એક સરખી રહે તે માટે HSRP નંબર પ્લેટ ફરજીયાત કરવામાં આવી રહી છે. જોકે, આરટીઓ દ્વારા હજુ સુધી આ કામગીરી પૂરી કરાઇ નથી. 2.43 કરોડ વાહનોમાંથી 1.25 કરોડ વાહનોમાં હજુ સુધી HSRP નંબર પ્લેટ લગાવવામાં આવી નથી. આ પરિસ્થિતિને જોતાં ફરીથી મુદ્દત લંબાવવામાં આવી છે.
આરટીઓ કચેરીમાં ઓનલાઇન એપોઇમેન્ટ મેળવ્યા બાદ ટુ વ્હીલરમાં HSRP નંબર પ્લેટ લગાડવાનો ચાર્જ રૂ. 140 અને થ્રી વ્હીલરનો ચાર્જ રૂ.180 છે. તેમજ ફોર વ્હીલરના 400 તથા હેવી વ્હીલરના 420 ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે અધિકૃત ડિલરો HSRP નંબર પ્લેટ લગાડવાની ફી ટુ વ્હીલર- ટ્રેકટરના ટેક્ષ સાથે રુ. 245 અને થ્રી વ્હીલરના રુ. 285 તથા ફોર વ્હીલરના રૂ. 577 તેમજ હેવી વ્હીલરના રુ. 597 વસૂલે છે.