ન્યૂઝ 18 ગુજરાતી : કોર્પોરેશનની શાળાામં એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશનની શાળાનાં બાળકોમાં સારા અભ્યાસની સાથે સાથે વ્યસન મુક્તિ નાબુદ કરવા માટે જો શાળાનો કોઇ વિદ્યાર્થી તમાકુની કોઇપણ વસ્તુ ખાતો જણાય તો તેને સજા આપવાને બદલે તેના વર્ગ શિક્ષક એક દિવસનો ઉપવાસ કરીને બાળકને વ્યસનથી દૂર રાખવા અપીલ કરશે.
વ્યસનનાં કારણે બાળકો અને તેમનો પરિવાર વિવિધ બીમારીઓનો ભોગ બનતાં હોય છે. તેની સીધી અસર તેમના જીવન ઘડતર પર થાય છે. જેથી નવા સત્રમાં કોર્પોરેશનની શાળામાં 6થી 8 ધોરણનાં 50 હજાર વિદ્યાર્થી માટે અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનનાં સહયોગથી સ્વચ્છતા અને વ્યસન મુક્તિનાં વિવિધ કાર્યક્રમો કરાશે. જેના કારણે વિદ્યાર્થીઓ નાનપણથી જ વ્યસનથી દૂર રહેશે અને તેઓ અન્ય સારી ટેવોનો સાથ મેળવી શકશે.
અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને મ્યુ. સ્કૂલ બોર્ડ કોર્પોરેશનની 30 શાળામાં ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતાં 7 હજારથી વધુ બાળકોનો સરવે કરાયો હતો. જેમાં 1200 બાળકોએ વોલેન્ટરી ફોર્મ ભર્યા અને તેમાંથી 2.6 ટકા બાળકોએ પોતે તમાકુ ખાતા હોવાનું સ્વીકાર્યું હતું. ફોર્મમાં તમે તમાકુ ખાવ છો, માતા-પિતા અને પરિવારમાં કોઇ તમાકુ ખાય છે, મિત્રો અને સગા તમાકુ ખાય છે આવા એકદમ સીધા સવાલ કરાયા હતા. વોલેન્ટરી ફોર્મ ભરનારા 1250 વિદ્યાર્થીમાંથી 2.6 ટકાએ પોતે તમાકુ ખાતા હોવાનું તેમજ 68 ટકાએ માતા-પિતા અને 65 ટકાએ મિત્રો-સગા તમાકુ ખાતા હોવાનું સ્વીકાર્યુ હતું.