અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ઓનર કિલિંગની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમ લગ્ન કરનારી યુવતી અને તેના પતિની યુવતીના ભાઈએ જ હત્યા કરી નાખી છે. બંનેને છરીના ઘા ઝીંકીને પતાવી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ યુવક સાથે લગ્ન કર્યા હતા.
પહેલા બહેનને પતાવી દીધી બાદમાં બનેવીને રહેંશી નાખ્યો
પોલીસના જણાવ્યા પ્રમાણે સાણંદના છારોડીની તરુણા નામના યુવતીએ ગામના જ વિશાલ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવાર બંનેના લગ્નની વિરુદ્ધમાં હોવાથી બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા અને સાણંદ ખાતે એક મકાન ભાડે રાખીને લગ્ન સંસાર શરૂ કર્યો હતો.
મૃતક તરુણા અને વિશાલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને સાણંદ એસટી સ્ટેન્ડ નજીક મકાન ભાડે રાખીને રહેતા હતા. બુધવારે સાંજે તરુણાનો ભાઈ તેના ઘરે આવી પહોંચ્યો હતો અને તેની બહેનને છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા હતા. તરુણા ઘરમાં જ ફસડાઈ પડી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ સમયે યુવતીનો પતિ પણ હાજર હતો. પરંતુ ઝનૂની બની ગયેલા તેના સાળાને જોઈને તે ત્યાંથી ભાગી ગયો હતો અને એક મકાનમાં છૂપાઈ ગયો હતો. તરુણાના ભાઈએ પીછો કરીને વિશાલ જે ઘરમાં છૂપાયો હતો ત્યાં પહોંચીને તેની હત્યા કરી નાખી હતી. હત્યાકાંડના અંજામ આપ્યા બાદ યુવતીનો ભાઈ ફરાર થઈ ગયો હતો. આ મામલે સાણંદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર