રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ગરમીની અસરને લીધે થતી શારીરિક સમસ્યાને પહોંચી વાળવા અને ત્વરિત સેવા પ્રાપ્ત કરવા 108 ઇમર્જન્સી સેવાના કોલ્સમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સામાન્ય દિવસો કરતા આ કોલ્સની સંખ્યા વધીને 18 થી 20 ટકા જેટલી થઇ ગઈ છે.
ગરમીને લીધે લૂ લાગવાના, મૂર્છિત થવાના, શરીરમાંથી પાણી ઓછું થઇ જવાના (ડિહાઈડ્રેશન) સહિતની તકલીફો વધી રહી છે. જો આંકડાકીય દૃષ્ટિએ તેને મૂલવીએ તો 10 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમા 11766 કેસો નોંધાયા છે. જે પૈકી માત્ર અમદાવાદમા જ 2705 કેસો નોંધાયા છે. જયારે આ સમયગાળામાં ગરમીથી 2117 લોકો રાજ્યભરમાં બેભાન થયા હતા. જો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં 15 દિવસમા 551 લોકો બેભાન થયા હતા. રાજ્યભરમાં ડિહાઈડ્રેશનના નોંધાયેલા 15 દિવસના 916 કેસો પૈકી અમદાવાદમા 181 કેસો નોંધાયા છે.
આ ગંભીરતાને પહોંચી વળવા ઉબલબ્ધ સેવાઓ અંગે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં "108 ઈમરજન્સી સેવા" ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, પ્રત્યેક ડિગ્રીના વધારાએ 50 કોલ્સનો વધારો થાય છે. આ ગરમીની સિઝનમાં રોજના 3 હજાર કેસ આવે છે. જ્યારે ગરમીનુ પ્રમાણ વધે છે ત્યારે ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે. આગામી દિવસોમાં ગરમીનુ પ્રમાણ વધવાનુ હોઈ અમે તમામ રીતે સજ્જ છીએ. આ તકલીફને પહોંચી વળવા અમારી ટિમ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવારના સાધનોની સાથે ગ્લુકોઝ અને ઇલેક્ટ્રલ પાવડર (ઓરલ રિહાઈડ્રેશન સૉલ્ટસ -ઓઆરએસ)ની સામગ્રી તૈયાર જ રાખે છે.
હાલની ગરમીની પરિસ્થિતિ બચવા જરૂર ન હોય ત્યાં સુધી બપોરના એક થી ચાર વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવા, સીધો સૂર્યનો તાપ ન લાગે તે જોવા, જેમ બને તેમ વધુ પાણી પીવા અને બહારનો તેમજ વાસી ખોરાક ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર