ન્યૂઝ18 ગુજરાતી: હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે કરેલી અરજી મામલે આજે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જે દરમિયાન રાજ્ય સરકારે કોર્ટ પાસે સમયની માંગણી કરી હતી. જેની સામે હાર્દિકના વકીલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે આ કેસની સુનાવણી ના થાય તો અરજદારની મુશ્કેલીમાં વધારો થશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ હવે આ કેસની વધુ સુનાવણી અઢી વાગ્યે હાથ ધરવામાં આવશે.
સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને કહ્યું હતું કે, આ અગાઉ સમય આપવામાં આવ્યો હતો અને આજ સુધીમાં જવાબ રજૂ કરવાનો હતો. કોર્ટ ટુકડે-ટુકડે સુનાવણી નહીં હાથ ધરે. ઉપરાંત કોર્ટે સરકારને કહ્યું હતું કે, જે પણ ડોક્યુમેન્ટ પર રિપ્લાઇ કરતી હોય તે ડોક્યુમેન્ટ 12 વાગ્યા સુધીમાં હાર્દિકના વકીલને આપવામાં આવે. જ્યારે વધુ સુનાવણી અઢી વાગ્યે હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ રાખવા હાઇકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. આ પહેલાં હાર્દિકની આ અરજી હાઇકોર્ટના જસ્ટિસ આર.પી.ધોલારીયાએ નોટ બી ફોર મી કરી હતી.