વડોદરા: ભારતી આશ્રમના (Bharti Ashram) સાધુ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી (Hariharanand Bharti missing) બાપુ ગુમ થયાના સમાચારથી ચકચાર મચી ગઇ છે. વડોદરાનાં વાડી પોલીસ મથકે કેવડિયાના પરમેશ્વર સ્વામીએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ગુમ થતાં પહેલા સાધુએ એક વીડિયો બનાવ્યો હતો. જે ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયો ગુમ થયા પહેલા બનાવ્યો હોવાનું માનવમાં આવી રહ્યુ છે. વાયરલ વીડિયો તથા પત્રમાં ભારતી આશ્રમ સરખેજના વિવાદથી કંટાળ્યો અને ખોટી રીતે હેરાન કરાયો હોવાનો હરિહરાનંદ બાપુએ આરોપ લગાવ્યો છે.
વાયરલ વીડિયોમાં શું કહી રહ્યા છે?
વાયરલ થયેલા આ વીડિયોમાં હરિહરાનંદજી કહી રહ્યાં છે કે, 'ભારતી આશ્રમ સરખેજનો ખુબ વિવાદ થયો. એક વર્ષથી અમારા ગુરૃજી ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછી થી વિવાદ શરૂ થયો અને સતત શરૂ જ છે. આશ્રમ માગે છે. વિલ મારા નામનું હતું. સામે ફ્રોડ વિલ બનાવ્યા. મને ખુબ દબાણ કરવામાં આવ્યુ દબાણપુર્વક ઘણા યેનકેન પ્રકારે મારા ઉપર કીચડ ઉડયા અને ઉડાડે એવા માણસોને તૈયાર કર્યા. માણસો પણ કીચડ ઉડાવીને મને દબાણ કરે છે. હું હવે કંટાળી ગયો છું અને કંટાળીને મે આ નિર્ણય લીધો છે કે હવે હું આ છોડીને નીકળી જાઉં'
વાયરલ થયેલો પત્ર
રહસ્યમય સંજોગોમાં થયા ગુમ
જૂનાગઢ સહિત રાજ્યમા પાંચ સ્થળે ભારતી આશ્રમ આવેવા છે. અહીંના વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતી મહારાજ તારીખ 30મી એપ્રિલ શનિવારની રાત્રે ગુમ થયા છે. તેઓ વડોદરા નજીક કપુરાઇ ચોકડી પાસેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થવા પાછળ અમદાવાદમાં સરખેજ સ્થિત આશ્રમનો વિવાદ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
નિયૂક્તિ થઇ હતી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે
ભારતી આશ્રમના ટ્રસ્ટીઓએ મીડિયા સાથે કરેલી વાત મુજબ, 'ભારતી આશ્રમનું મુખ્ય મથક જુનાગઢ ગીરનારની તળેટીમાં આવેલો ભારતી આશ્રમ છે. આ ઉપરાંત અમદાવાદમાં સરખેજ અને સનાથલ એમ બે વિસ્તારમાં ભારતી આશ્રમ છે. આ ઉપરાંત સાવરકુંડલામાં વાંસીયા ભાટ ખાતે અને કેવડિયામાં મળીને કુલ પાંચ આશ્રમો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજીની નિયૂક્તિ થઇ હતી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે.
ફાઇલ તસવીર
ધમકી આપતા ઓડિયો અને વીડિયો પણ છે
મળતી માહિતી પ્રમાણે, વિલ મુજબ હરિહરાનંદજી જ ગાદીપતિ હોવા છતાં તેમની સામે ખોટા આક્ષેપો અને ખોટા વિલ બનાવીને ગાદી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા. હરિહરાનંદજી પાસે તેમને ધમકી આપતા ઓડિયો અને વીડિયો પણ હોવાનું કહેવાઇ રહ્યુ છે.
વડોદરાના DCP ઝોન-3 હશપાલ જગાણીયાએ કહ્યું હતું કે, ‘હરિહરાનંદ બાપુ ગુમ થવાની અરજી મળ્યા બાદ પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ હરિહરાનંદના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો કે તેમની ચિઠ્ઠી અંગે અમને જાણ કરવામાં આવી નથી. જો કોઇ આવી માહિતી આપશે તો અમે તે અંગે તપાસ કરીશું.’