Home /News /gujarat /

અલ્પેશને આગળ વધારીને હાર્દિક પોતાની જ તાકાત સાબિત કરશે!

અલ્પેશને આગળ વધારીને હાર્દિક પોતાની જ તાકાત સાબિત કરશે!

હાર્દિકની જેલમુક્તિ બાદ સુરતમાં રેલી નીકળી હતી.

રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે કે, અલ્પેશનું બહાર આવવું એટલે પાટીદાર આંદોલનમાં બે સત્તા કેન્દ્રો ઉભા કરવા બરાબર છે.

  ન્યૂઝ18 ગુજરાતી : 'ગબ્બર ઇઝ બૅક' એવા સૂત્રો સાથે અલ્પેશ કથીરિયા આખરે સાડા ત્રણ માસ સુધી જેલની સજા ભોગવ્યા બાદ શનિવારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કેદમાંથી બહાર આવ્યો. પાટીદારો માની રહ્યા છે કે, અલ્પેશના આવવાથી 'પાટીદાર અનામત આંદોલન' માં નવો પ્રાણ ફૂંકાશે. પરંતુ રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે કે, અલ્પેશનું બહાર આવવું એટલે પાટીદાર આંદોલનમાં બે સત્તા કેન્દ્રો ઉભા કરવા બરાબર છે.

  લાલજી પટેલ સંચાલિત 'સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)' સાથે 'પાસ' ના અગાઉથી જ તડા પડી ચુક્યા છે. વરુણ, રેશ્મા સહિતના અન્ય નેતાઓ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. હા, એ અલગ વાત છે કે થોડોક ફાયદો જુએ એટલે તેઓ 'અનામત' ના મામલે હાર્દિક સાથે હોવાનું નિવેદન આપી દે છે.

  દિનેશ બામભણીયા હાર્દિક સામે સરેઆમ આરોપ લગાવી ચુક્યા છે. લગભગ બે અઠવાડિયા સુધી પોતાના ઘરે જ 'આમરણાંત અનશન' ઉપર બેસવા છતાં સરકાર ઓઠું ન આપતા હાર્દિકની અસરકારકતા ઓછી થઇ રહી હોવાનું પાટીદારો માની રહ્યા છે.

  આ પરિસ્થિતિમાં રવિવારે અલ્પેશ કથીરિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં જે 'સંકલ્પ યાત્રા'યોજાઈ તેમાં અલ્પેશ કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા કૅપ્ટન જાહેર કરવામાં આવ્યા છે. વળી, સરદાર પટેલ ગ્રૂપના કન્વીનર લાલજી પટેલે અલ્પેશ કથીરિયાના નેતૃત્વને આવકારતા કહ્યું છે કે, "અલ્પેશના નેતૃત્વમાં નિર્વિવાદિત અને બિનરાજકીય રીતે આંદોલન થાય તો એસપીજી પણ પાસ સાથે અનામત આંદોલનમાં જોડાશે." લાલજી પટેલે ઉમેર્યું, "અલ્પેશનું નામ ખરડાયું નથી, છેલ્લાં ત્રણેક વર્ષથી ચાલી રહેલા આ આંદોલનમાં અલ્પેશ નિર્વિવાદિત ચહેરો રહ્યો છે."

  આ પણ વાંચોઃ પોસ્ટર બોય નહીં બનું પરંતુ સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્વ કરીશ: અલ્પેશ કથીરિયા

  બીજી તરફ હાર્દિકે પણ અલ્પેશ કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા નેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું, "અનામત માટેની લડાઈ હવે મજબૂત બનશે, પાટીદાર સમાજના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એ જરૂરી છે, આ આંદોલનનો નવો ચહેરો હવે અલ્પેશ હશે."

  હવે સવાલ એ થાય કે પાટીદાર અનામત આંદોલન અત્યાર સુધી હાર્દિક પટેલના નેતૃત્વમાં ચાલી રહ્યું હતું, તો આ આંદોલનને નવા કૅપ્ટનની જરૂર કેમ પડી? હાર્દિકે નવા ચહેરા તરીકે અલ્પેશને આગળ કર્યો તેનો મતલબ એવો ગણવો કે હાર્દિક સક્રિય રાજકારણમાં ઝંપલાવવાના પ્રયાસોમાં છે?

  વીડિયો જુઓઃ  જે પણ અલ્પેશભાઈ કહેશે એ પ્રમાણે આગળ ચાલીશું: હાર્દિક પટેલ

  હા, એવું શક્ય બની શકે છે. કારણ કે હાર્દિક હવે જાણી ગયો છે કે તેના નેતૃત્વ સામે સમાજના કેટલાક લોકોને વાંધો છે. છેલ્લાં બે વર્ષમાં તેની વિશ્વનિયતા પર પણ પ્રશ્નો સર્જાયા હતા. વળી, પાટીદાર અનામત આંદોલનના અત્યાર સુધીના નેતાઓથી સમાજને લાભ થયો નથી એવી એક લાગણી પણ સમાજમાં છે. કદાચ આ કારણે જ નવો ચહેરો લાવવાની જરૂર પડી હોય. ભલે મરાઠા આંદોલન પછી ફરી એક વખત પાટીદારોને અનામત મળે તેવી શક્યતાઓ ઉપર ગુજરાતમાં સક્રિયતા આવી હોય, પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાર્દિક સરકારનું વલણ આ મામલે બરાબર સમજી ગયો છે.

  આ પણ વાંચોઃ સુરતઃ અલ્પેશની સંકલ્પયાત્રામાં બબાલ, હીરાબાગ ચોકમાં મારામારી

  હાર્દિક હવે રાજકીય દૃષ્ટિએ પરિપક્વ થઇ ગયો છે. તે જાણી ચુક્યો છે કે 2015થી અત્યાર સુધીમાં સમાજના નામે જે કઈ નીચોવી શકાય તે આરામથી તે નીચોવી ચુક્યો છે અને હવે 'અનામત' ના નામે કશું ઠોસ થઇ શકે તેમ નથી ! સમયના પવનને જોઈને સઢ બદલવાની વૃત્તિ ધરાવનારા હાર્દિક કદાચ સિફતપૂર્વક અલ્પેશને આગળ ધરીને પોતાની રાજકીય કારકિર્દી બનાવવા લાગી જઈ શકે.

  રહી વાત મરાઠાઓને મળેલા અનામતની તો સવાલ એ થાય કે મરાઠાઓ પાસે શું કોઈ હાર્દિક, લાલજી કે અલ્પેશ જેવા નેતા હતા ? એવું ન હોવા છતાં જો તેમને અનામત મળી શકતું હોય તો હાર્દિક હવે સમગ્ર મામલાને સારી રીતે જાણી ચુક્યો છે, કદાચ એટલે જ તે સ્વયં દરકિનાર થઈને અલ્પેશને આગળ 'હોળીનું નાળિયર" બનાવી રહ્યો હોય!
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Alpesh Kathiriya, Jail, Paas, અનામત, પાટીદાર, પોલીસ`, હાર્દિક પટેલ

  આગામી સમાચાર