અમદાવાદઃ હાર્દિક પટેલ ફરી એક વખત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. હાલ હાર્દિક બેંગલુરુ ખાતે નેચરોપેથીની સારવાર લઈ રહ્યો છે. હવે ગાંધી જયંતિના દિવસે હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે. આ પહેલા તે અમદાવાદ ખાતે તેના નિવાસ્થાને 19 દિવસ સુધી ઉપવાસ કરી ચુક્યો છે.
મળતી માહિતી પ્રમાણે બીજી ઓક્ટોબર, એટલે કે ગાંધી જયંતિના દિવસે હાર્દિક પટેલ મોરબીના બગથળા ખાતેથી પ્રતિક ઉપવાસ કરશે. હાર્દિક પટેલ ત્રણ માંગોને લઈને ઉપવાસ કરશે. જેમાં ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને અનામત અને અલ્પેશ કથિરીયાની જેલમુક્તિનો સમાવેશ થાય છે.
19 દિવસ કરી ચુક્યો છે ઉપવાસ
આ પહેલા હાર્દિક પટેલ 19 દિવસ સુધી ઉપરની ત્રણેય માંગણીઓને લઈને પ્રતિક ઉપવાસ કરી ચુક્યો છે. જોકે, સમાજના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિક પટેલે 19માં દિવસ બાદ પારણા કરી લીધા હતા. ઉપવાસ દરમિયાન તબિયત લથડતા હાર્દિક પટેલને બે દિવસ માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. અંતે પાટીદારની છ મુખ્ય સંસ્થાઓના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિકે પારણાં કરી લેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સરકાર તરફથી હાર્દિકને મળવા માટે કોઈ જ પ્રતિનિધિ પહોંચ્યા ન હતા.
હાર્દિક પટેલે સોમવારે પીએમ મોદી પર કટાક્ષ કરતું એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, "ભારતરત્ન અટલજીની અંતિમ યાત્રામાં નવ કિલોમીટર ચાલવાનો દેખાડો કરવા કરતાં અટલજીના સિદ્ધાંતો પર બે કદમ ચાલ્યા હોત તો આજે દેશની સુરક્ષા સાથે છેડછાડ થઈ ન હોત. અટલજીના ચીંધ્યા માર્ગે ચાલવાની જરૂર છે. જે લોકો સિદ્ધાંતો સાથે નથી ચાલી શકતા તે લોકો દેશને ન ચલાવી શકે."