Home /News /gujarat /SGVP હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાર્દિકના વિવિધ ટેસ્ટ કરાયા
SGVP હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાર્દિકના વિવિધ ટેસ્ટ કરાયા
હાર્દિક પટેલ
હોસ્પિટલમાં ખસેડવાની વિનંતી ખુદ હાર્દિક પટેલે પોલીસતંત્રને કરી હતી. આ માટે જ શુક્રવારે પ્રથમ વખત પોલીસે ઉપવાસ છાવણીમાં પ્રવેશ કર્યો હતો અને હાર્દિક પટેલના ખબરઅંતર પૂછ્યા હતા.
અમદાવાદઃ ઉપવાસના 14માં દિવસ બાદ ખુદ હાર્દિક પટેલની વિનંતી બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિક પટેલને શુક્રવારે બપોર પછી સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, બાદમાં પાસ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમને સરકાર પર ભરોસો નથી આથી હાર્દિકને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે. સાંજે હાર્દિક પટેલને સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાસ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે શુક્રવારે હાર્દિક પટેલ ઘરમાં જ ફસાડાઈ ગયો હતો, આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
હાલ એસજીવીપી હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલની સારવાર ચાલી રહી છે. અહીં કોઈ અરાજકતા ન ફેલાય તે માટે હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે હાર્દિકના અલગ અલગ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એલ.એફ.ટી, આર.એફ.ટી, સી.બી.સી, યુરિન, સોનોગ્રાફી, ઈ.સી.જી અને ઇકો ટેસ્ટનો સમાવેશ થાય છે.
એવી પણ માહિતી મળી રહી છે કે હોસ્પિટલમાં ખસેડવાની વિનંતી ખુદ હાર્દિક પટેલે પોલીસતંત્રને કરી હતી. નોંધનીય છે કે શુક્રવારે પ્રથમ વખત પોલીસે ઉપવાસ છાવણીમાં પ્રવેશ કર્યો હતો અને હાર્દિક પટેલના ખબરઅંતર પૂછ્યા હતા. આ દરમિયાન હાર્દિક તરફથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. જોકે, ઝોન-1ના ડીસીપી જયપાલસિંહ રાઠોડે લેખિતમાં આ અંગે ખાતરી આપવા માટે જણાવતા પાસના કન્વીનરો તરફથી લેખિતમાં ખાતરી આપવામાં આવ્યા બાદ હાર્દિકને હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગેનો વિનંતી પત્ર પણ મીડિયામાં સામે આવ્યો છે.
પાટીદાર સંસ્થાઓના આગેવાનો કરી શકે છે સરકારને રજુઆત
હાર્દિક જે ત્રણ મુદ્દાને લઈને ઉપવાસ આંદોલન કરી રહ્યો છે તે મુદ્દાઓ અંગે પાટીદાર સંસ્થાઓના આગેવાનો સરકારમાં રજુઆત કરી શકે છે. શુક્રવારે નરેશ પટેલે હાર્દિક પટેલ સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે હાર્દિકે તેમને સહમતી આપી છે કે ખોડલધામ અને ઉમાધામના હોદેદારો સાથે મળીને ચર્ચાવિચારણા બાદ સરકાર સાથે મધ્યસ્થીની ભૂમિકા નિભાવે. હાર્દિક સાથે મુલાકાત બાદ નરેશ પટેલ પરત રાજકોટ રવાના થઈ ગયા હતા. હવે આગામી એક બે દિવસમાં પાટીદાર આગેવાનો સરકાર સાથે મુલાકાત કરી શકે છે.