Home /News /gujarat /

ડીસીપી જયપાલસિંહ રાઠોડ અમારા કાર્યકરોને મા-બહેનની ગાળો ભાંડે છેઃ હાર્દિક

ડીસીપી જયપાલસિંહ રાઠોડ અમારા કાર્યકરોને મા-બહેનની ગાળો ભાંડે છેઃ હાર્દિક

જયપાલસિંહ રાઠોડ

"ઉપવાસ આંદોલન તોડવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારવાનું તેમજ મારા સાથીઓને ધમકાવવાનું કામ સોંપ્યું છે."

    અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસના 18માં દિવસે કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પારણાં કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ હાર્દિક પટેલને મળવા માટે ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. હાર્દિકને પારણા કરાવવા માટે પાટીદારોની વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ સક્રિય થયા છે. બીજી તરફ હાર્દિક પટેલે ટ્વિટ કરીને તેના ઘર બહાર સુરક્ષામાં તહેનાત ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાર્દિકે લખ્યું છે કે ડીસીપી રાઠોડ બીજેપી પ્રમુખ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે આ બધું કરી રહ્યા છે.

    ડીસીપી રાઠોડ પર હાર્દિકના પ્રહાર

    હાર્દિક પટેલે એક પછી એક એમ ત્રણ ટ્વિટ કરીને તેના ઘર બહાર સુરક્ષામાં તહેનાત ડીસીપી જયપાલસિંહ તેમજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, "ઉપવાસ આંદોલન તોડવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારવાનું તેમજ મારા સાથીઓને ધમકાવવાનું કામ સોંપ્યું છે. મારા ઘરે આવતા લોકોને રોકવા માટે તેઓ બધું કરવા માટે તૈયાર છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ ડીસીપી ખોટું બોલે છે."

    'ડીસીપી મા-બેહેનની ગાળો ભાંડી રહ્યા છે'

    હાર્દિકે અન્ય એક ટ્વટિમાં લખ્યું છે કે, "ઉપવાસ છાવણીમાં આવતા લોકોને રોકવા માટે ડીસીપી રાઠોડે તમામ હદ પાર કરી નાખી છે. અમારા આંદોલનકારીઓને ડીસીપી રાઠોડ મા-બેનની ગાળો ભાંડી રહ્યા છે. ખાખીની મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહે ડીસીપી રાઠોડને તમામ હદ પાર કરવાની પરવાનગી આપી છે."

    'ડીસીપી અમારા કાર્યકરોને કહે છે આતંકવાદી'

    "અમદાવાદના ડીસીપી રાઠોડ અમારા આંદોલનકારીઓને કહે છે કે તેઓ આતંકવાદી છે. આ ડીસીપીને ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ સાથે નીકટના સંબંધો છે. છેલ્લા 18 દિવસથી અમારી સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ડીસીપીએ અમારા કાર્યકરોને કહ્યું છે કે આજે હરીશ રાવતને પણ તપાસ બાદ જ અંદર પ્રવેશ આપીશું."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amit shah, DCP, Hardik Patel Fast, Paas, Pradipsinh Jadeja, Vijay Rupani, હાર્દિક પટેલ

    આગામી સમાચાર