ન્યૂઝ18 ગુજરાતી : પાસ ( પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક સ્થળે પહોંચી ગયો છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્મારક ખાતે હાર્દિક આજે સવારે આવી પહોંચ્યો હતો. હાર્દિક પહોંચ્યો ત્યારે CWCની બેઠક ચાલી રહી હતી. હાર્દિકને સરદાર પટેલ સ્મારક ખાતે પ્રવેશ અપાયો હતો પરંતુ CWCની બેઠકમાં હાર્દિકને પ્રવેશ અપાયો ન હતો.
પાર્ટી કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ : હાર્દિક પટેલ
આ પ્રસંગે હાર્દિક પટેલ જણાવ્યું હતુ કે, "પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા લોકો કે જેમણે આ દેશ માટે કામ કર્યું છે તે પાર્ટીમાં આજે હું જોડાવા જઈ રહ્યો છું. અમે બધા સાથે મળીને દેશને મજબૂત બનાવવા માટે કામ કરીશું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂત કરીને દરેક ગામે આ વિચારધારાને પહોંચાડીશું. આજે હું અધિકારી રીતે કોંગ્રેસમાં જોડાઈશ." ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટી જ્યાંથી કહેશે તે બેઠક પરથી હું ચૂંટણી લડીશ. "
કેશુબાપાએ હાર્દિકને મળવાનું ટાળ્યું
બીજી તરફ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા હાર્દિક પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મળવા માંગતો હતો. જોકે, કેશુબાપાએ હાર્દિક સામે મુલાકાત કરવાનું ટાળ્યું હતું.
વિસનગરથી ચર્ચામાં આવ્યો
23મી જુલાઈ, 2015ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ રેલીને કારણે હાર્દિક ચર્ચામાં આવ્યો હતો. આ રેલી બાદ હાર્દિકે અનેક રેલીઓ કાઢી હતી.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન વર્ષ 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય હતી. આ દરમિયાન હાર્દિક પટેલે વિજય રૂપાણી સરકાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાની જાહેરાત કરી. આ દરમિયાન જ પાસના અમુક કન્વિનરોને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ પણ આપવામાં આવી હતી. હાર્દિકે તેમના માટે પણ ચૂંટણી પ્રચાર કર્યો. જોકે, આ દરમિયાન હાર્દિક કોંગ્રેસ પાર્ટી સાથે ન જોડાયો પણ તેને આડકતરી રીતે મદદ કરતો રહ્યો. આ દરમિયાન હાર્દિક પર કોંગ્રેસના એજન્ટના આક્ષેપો લાગતા રહ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર