પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ)કન્વીનર હાર્દિક પટેલે આજે શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તેવી માંગ સાથે આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. હાર્દિક પટેલ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગ્રીનવુડ રિસોર્ટમાં પોતાના નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠો છે. તો નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. માત્ર રાજકીય નેતાઓ સિવાય ગ્રીનવુડ રિસોર્ટમાં કોઇને જવા દેવામાં ન્હોતા આવ્યા. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇને રાજકીય નેતાઓના આરોપ અને પ્રત્યારોપનો પણ સિલસિલો ચાલ્યો હતો.
બીજી તરફ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં પાસના કાર્યકર્તાઓ સહિત પાટીદાર સમજાના અગ્રણીઓ પણ મેદાનમાં આવ્યા હતા. બીજી તરફ રાજકીય નેતાઓ પણ હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા હતા. દલિત નેતા અને ધારાસભ્ય એવા જીજ્ઞેશ મેવાણી હોય કે, કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો હોય આવા તમામ નેતાઓ હાર્દિકના ઉપવાસને લઇને પોતાનું સમર્થન આપ્યું હતું.
સાથે સાથે હાર્દિક પટેલના ખાસ એવા દિનેશ બાંભણિયાની પોલીસે અટકાયત કરી હતી. તો આંદલનને નબળું પાડવા માટે પોલીસ કાર્યકર્તાઓને અટકાવી રહી છે, રોકી રહી છે એવા પાસના કાર્યકર્તાઓના આરોપો પણ લાગ્યા હતા. હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલન અંગે ટિપ્પણી કરતા ગુજરાત બીજેપી પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક અસામાજીક તત્વો સામાજીક નામે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિકનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક લોકો કોંગ્રેસનો હાથ બનીને રાજ્યની શાંતિને ડહોળી રહ્યા છે.
સાથે સાથે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ સ્થળોએથી 16,000 જેટલા પાટીદાર લોકોની અટકાયત કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, તેના જવાબમાં એડિશનલ ડીજીપીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 251 લોકોની અટકાયત કરવામાં આવી છે.
હાર્દિક પટેલના ઉપવાસને લઇને દિવસભર પોલીસ દોડતી રહી હતી. હાર્દિકના સમર્થનમાં આવતા લોકોને અટકાયત કરવામાં આવી રહી હતી જ્યારે બીજી તરફ રાજકીય નેતાઓ પણ હાર્દિક પટેલના સમર્થનમાં આવી રહ્યા હતા. શનિવારનો દિવસ ગુજરાતમાં એક અજંપાભરી શાંતિ જેવો માહોલ સર્જાયેલો હતો. દિવસના અંતે રાજ્યમાં કોઇ અનઇચ્છનિય ઘટના ન્હોતી બની. રવિવારે સવારે હાર્દિક પટેલની બહેન હાર્દિકને રાખડી બાંધવા માટે ગ્રીનવુડ રિસોર્ટ જવાની છે. સાથે સાથે પાટીદાર બહેનો પણ હાર્દિકની રક્ષા માટે રાખડી બાંધવા જશે.