ન્યૂઝ18 ગુજરાતીઃ છેલ્લા 14 દિવસથી ઉપવાસ કરી રહેલો હાર્દિક પટેલ આજે નમતી સાંજે ઉપવાસ તોડે તેવો તખ્તો ગોઠવાઈ રહ્યો હોવાની ચર્ચા જાગી છે. આ માટે કથિત રીતે હાર્દિક પટેલે જ પાટીદાર આગેવાન જયરામ બાપા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને મધ્યસ્થી બનાવી ઉપવાસ તોડવા તજવીજ ઘડી હોય એવું સૂત્રો જણાવી રહ્યા છે.
માત્ર ઔપચારિક વિધિ બાકી
સૂત્રોનું માનીએ તો હાર્દિકના ઉપવાસ પુરા કરવા અંગે માત્ર ઔપચારિકતા જ બાકી છે, તેમજ ઔપચારિકતા પુરી કરવા માટે જ નરેશ પટેલ મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યા છે. સૂત્રો કહી રહ્યા છે કે નરેશ પટેલ સીએમ વિજય રૂપાણી પાસેથી કોઈ 'ચોક્કસ' બાંહેધરી મેળવીને આ અંગેની વાતચીત હાર્દિક પટેલ સાથે કરશે.
આ 'ચોક્કસ' બાંહેધરીને આધારે હાર્દિક નમતુ જોખશે તેવાસંકેત મળી રહ્યા છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તબીબોનો કાફલો હાજર છે.
ઉપવાસને કારણે હાર્દિકની શારીરિક અસક્ષમતાને પહોંચી વળવા માટે તકેદારીના ભાગરૂપે હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ સરકારી સવલતો અને ડોક્ટરોની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
14 દિવસના ઉપવાસ પછી સરકાર પાસેથી શું બાંહેધરી મળે છે તેની ખબર તો આગામી દિવસોમાં જ મળશે. પરંતુ હાલ તો એવો ઘાટ ઘડાયો છે કે ઉપવાસ આંદોલન હાર્દિકના ગળામાં જ ફસાયું છે. 14 દિવસ દરમિયાન સરકાર તરફથી હાર્દિક સાથે વાતચીતની કોઈ જ પહેલ કરવામાં આવી નથી. એટલું જ નહીં હાર્દિકના 24 કલાકના અલ્ટિમેટમ પછી પણ સરકારે સામેથી વાતચીતની કોઈ તૈયારી બતાવી નથી. ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવા અંગે સરકાર પહેલાથી જ પોતાનો પક્ષ સ્પષ્ટ કરી ચુકી છે. આ તમામ વાતોને ધ્યાનમાં લેતા હવે એવી ચર્ચા જાગશે કે હાર્દિક પટેલે પોતાનું વજન ઉતારવા માટે જ ઉપવાસ આંદોલન કર્યું હતું કે શું?