અમદાવાદઃ હાલ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક પટેલે ફેસબુક લાઇવના માધ્યમથી કાર્યકરોને સંબોધન કર્યું હતું. હોસ્પિટલમાં બેડમાંથી જ હાર્દિકે ફેસબુક લાઇવ કરીને તાલુકા કક્ષાએ ઉપવાસ કરી રહેલા પાટીદાર યુવકોને પારણા કરી લેવાની વિનંતી કરી હતી. સાથે જ હાર્દિકે ફરીથી પોતાના ઘરે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે.
હાર્દિકે શું કહ્યું?
ફેસબુકના માધ્યમથી હાર્દિકે કહ્યું કે, "ગુજરાતમાં 25મી ઓગસ્ટથી શરૂ થયેલા ઉપવાસ આંદોલન દરમિયાન મારા સમર્થનમાં ગુજરાતના અલગ અલગ તાલુકા અને ગામડામાં હજારો યુવકો ઉપવાસ પર બેઠા છે. ગઈકાલે પણ મેં આ ઉપવાસના કાર્યક્રમો અને સંઘર્ષ જોયા પછી હું તમામને વિનંતી કરું છું કે ઉપવાસ પર બેઠેલા યુવકો સાંજે પાંચ વાગ્યા સુધીમાં પારણા કરી લે. આ તમામ યુવકો તેમના માતા-પિતા કે સમાજના આગેવાનોના હાથે પારણાં કરી લે."
ઉપવાસ આંદોલન અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, "ઉપવાસ આંદોલન ચાલુ જ છે. ત્રણથી ચાર કલાકમાં હું રજા લઈને ઘરે ઉપવાસ પર બેસવાનો છું. પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફ અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તી અંગે આ આંદોલન ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં જે સારવાર લેવી પડી છે એ મેં લીધી છે, પરંતુ આ સમય દરમિયાન મેં અન્નનો એક પણ દાણો પેટમાં નાખ્યો નથી. તમામ લોકો શાંતિપૂર્ણ રીતે મારા ઘરે આવજો. ગુજરાતમાં શાંતિ ડહોળાઈ નહીં તેવી રીતે ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું.
એસજીવીપી હોસ્પિટલ ખાતે હાર્દિકના વિવિધ મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં હાર્દિકનો બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યો છે. હાલ હાર્દિકને વિકનેસ જોવા મળી રહી છે. આ ઉપરાંત બી-12 અને વિટામિન-ડી ઓછું જોવા મળી રહ્યું હોવાથી તેની સારવાર ચાલી રહી છે. હાર્દિકની સારવાર માટે પાંચ ડોક્ટરની ટીમ ખડેપગે છે. ડોક્ટરના મતે તમામ રિપોર્ટ આવ્યા બાદ જ રજા અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. કારણ કે મેડિકલ જોખમ ઉભું થવાનું પૂરું જોખમ રહેલું છે.
હાર્દિકના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
બીજી તરફ હાર્દિકના ઘર ગ્રીનવુડ રિસોર્ટ ખાતે રવિવાર સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાર્દિકે ફેસબુક લાઇવ મારફતે ફરીથી ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે ત્યારે પોલીસ વધારે સતર્ક થઈ ગઈ છે.