અનામત અને ખેડૂતોની વિવિધ માંગણીઓને લઇને હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી ઉપવાસ આંદોલન પર છે, ત્યારે હાલ હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે સમાજના આગેવાનો તરફથી પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાટીદાર સમાજની સંસ્થાઓની ગુપ્ત બેઠક મળી હતી, જેમાં હાર્દિકને પારણાં કરાવવા મુદ્દે ચર્ચા થઇ હતી.
અમદાવાદ ખાતે પાટીદાર સમાજની સંસ્થાઓની ગુપ્ત બેઠક મળી હતી, જેમાં હાર્દિક પટેલને પારણાં કરાવવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તો બેઠક બાદ ઉમિયા ધામના સહમંત્રી રમેશ દુધવાલા ઉપવાસ છાવણી આવશે અને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે રમેશ દુધવાલા સમાજની સંસ્થાઓનો સંદેશો હાર્દિક પટેલ સુધી પહોંચાડશે. આ સંદેશમાં હાર્દિકને પારણાં કરવાની વિનંતી કરવામાં આવશે.
તો બીજી બાજુ રમેશ દુધવાલાએ જણાવ્યું કે પાટીદાર સંસ્થાઓ પર હાર્દિક પટેલને પારણાં કરાવવાનું દબાણ છે, અમે ઇચ્છી રહ્યાં છીએ કે હાર્દિક પટેલ પારણાં કરે. પાટીદાર સમાજની એકતા જોઇને સરકાર ડરી ગઇ છે. અમે હાર્દિકને સંદેશો આપ્યો છે. હાલ અમે હાર્દિક પટેલના સંદેશની રાહ જોઇ રહ્યાં છીએ.
અનામત અને ખેડૂતોની વિવિધ માંગણીઓને લઇને હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી ઉપવાસ આંદોલન પર
કહેવામાં આવી રહ્યું છે કે પહેલા રમેશ દુધવાલા ઉપવાસ છાવણી સંદેશો લઇને પહોંચશે ત્યારબાદ જો કોઇ નિર્ણય લેવામાં આવશે તો સમાજના આગેવાનો પણ હાર્દિક પટેલને મળવા ઉપવાસ છાવણી પહોંચશે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સાંજ સુધીમાં કોઇ ઉકેલ આવી શકે છે. જો કે સમાજના આગેવાનો અને પાસ દ્વારા હાલ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.