Home /News /gujarat /

દેખો હાર્દિક તુમ અપની સમસ્યા ફિક્સ કરો...અનામત, ખેડૂતો યા રાજનીતિ?

દેખો હાર્દિક તુમ અપની સમસ્યા ફિક્સ કરો...અનામત, ખેડૂતો યા રાજનીતિ?

હાર્દિક પટેલ ખેડૂતો અને પાટીદાર અનામત માટે ઉપવાસ કરી રહ્યો છે.

બંધારણીય દૃષ્ટિએ અનામત આપી શકાય તેમ નથી તો બીજી તરફ હાર્દિક સાથે જનસમર્થન એટલું બધું છે કે તેને કેમ નાથવો તે મોટી સમસ્યા છે!

  ન્યૂઝ18 ગુજરાતી: થોડા સમય પહેલા અક્ષયકુમાર-સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની એક મજેદાર કોમેડી ફિલ્મ આવી હતી : “હેરાફેરી”. આ ફિલ્મમાં બાબુ ભૈય્યાના રૉલમાં પરેશ રાવલે ધમાલ મચાવી હતી. બાબુ ભૈયાના લગભગ તમામ સંવાદો જે-તે વખતે લોકપ્રિય બનેલા. આ સંવાદો પૈકીનો એક સંવાદ હતો, જે અત્યારના હાર્દિક પટેલના આંદોલન સાથે હૂબહૂ મેળ ખાય છે: શ્યામના કિરદારમાં રહેલા સુનિલ શેટ્ટીને કહે છે: "દેખો બાબા તુમ અપની સમસ્યા ફિક્સ કરો...નામ, નૌકરી યા ઘર?"

  ...બસ, આ શ્યામ જેવી જ પરિસ્થિતિ હાર્દિક પટેલની હોય તેવું લાગે છે. આ ભાઈ નીકળ્યા હતા 'પાટીદાર અનામત આંદોલન સમિતિ' (પાસ) ની આગેવાની લઈને પાટીદારો માટે અનામત માંગવા. પરંતુ રસ્તો ફંટાયો અને રાજકારણ તરફ ગયો! આ દરમિયાન રાજકીય નેતાઓ ઝપટે ચઢી ગયા. આનંદીબેનની નોકરી ગઈ, સવર્ણો માટે 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' અને 'બિન અનામત આયોગ વર્ગ' લાગુ થઇ ગયા. વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને ભાજપને ભારે અસર પણ થઇ.

  આ બધું છતાં, હાર્દિકની મમત ચાલુ રહી. આ મમતની વચ્ચે-વચ્ચે ક્યારેક ‘રૂપાણી-નીતિન’ સત્તાની સાઠમારીઓ અને હાર્દિકના નિવેદનો, ક્યારેક શાળાના ફી વધારા મામલે શિક્ષણવિભાગ ઉપર આકરી પ્રતિક્રિયાઓ, ક્યારેક 'પાટીદાર શહીદ યાત્રા'ના નામે સંઘર્ષ, ક્યારેક મગફળીકાંડ મામલે નિવેદનબાજી તો ક્યારેક ભાદરના દુષિત પાણી મુદ્દે જળસમાધીને સમર્થન સહિતની બીજી બાબતો પણ ચર્ચાતી રહી.

  થોડા સમયથી હાર્દિકભાઈને ખેડૂતોની ચિંતા થઇ અને 'દેવામાફી' નો મુદ્દો ચગાવ્યો ! આ તબક્કે ખરેખર 'હેરાફેરી'ના બાબુ ભૈયા યાદ આવે છે અને હાર્દિકને પૂછવાનું મન થાય છે : "દેખો હાર્દિક તુમ અપની સમસ્યા ફિક્સ કરો... અનામત, ખેડૂતો યા રાજનીતિ?"

  સરકાર સ્પષ્ટ કરી ચુકી છે અને તે અત્યંત વાસ્તવિક છે કે, બંધારણીય ઢબે પાટીદારોને અનામત આપી શકાય તેમ નથી. સરકારની આ સ્પષ્ટતા છતાં વિરોધ પક્ષ કોંગ્રેસ જાણી ગયો છે કે, સરકાર માટે હાર્દિકની માંગણીઓ ‘એક તરફ કુવા અને બીજી તરફ ખાઈ’ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે.

  બંધારણીય દૃષ્ટિએ અનામત આપી શકાય તેમ નથી તો બીજી તરફ હાર્દિક સાથે જનસમર્થન એટલું બધું છે કે તેને કેમ નાથવો તે મોટી સમસ્યા છે!

  આ કપરી પરિસ્થિતિનો લાભ કોંગ્રેસ લઇ રહી છે. તેના લગભગ તમામ નેતાઓ હાર્દિકની "કુર્નિશ" બજાવે છે અને દરરોજ અવનવા નિવેદનો આપે છે. હવે ખેડૂત દેવા માફી મામલે 'હલ્લા બોલ'ની નીતિ અને રાજ્યવ્યાપી દેખાવોની રણનીતિ કોંગ્રેસે નક્કી કરી છે. મુદ્દે કૉંગેસ પણ સ્પષ્ટ નથી કે તેઓ ખરેખર હાર્દિકના અનામતના મુદ્દે તેની સાથે છે કે ખેડૂતોના દેવા અને લોન માફી મામલે?

  હાર્દિકના નામની આ વહેતી ગંગામાં હાથ ધોવા માટે એનસીપી નેતા પ્રફુલ પટેલ, કોંગ્રેસી નેતાઓ પરેશ ધાનાણી, અમિત ચાવડા, અલ્પેશ ઠાકોર, ડૉ. કલસરિયા, રાજીવ સાતવ, જેનો પક્ષ નક્કી નથી તેવા શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંજી, દલિત નેતા જીગ્નેશ મેવાણી સહિતના સંખ્યાબંધ નેતાઓ આવી ગયા અને પોતપોતની રીતે નિવેદન આપતા ગયા.

  હાર્દિકનો આ ‘શૉ’ આજે 12માં દિવસમાં પ્રવેશ્યો છે. તેનું કેટલું વજન ઘટ્યું અને શું થયું ? તે અંગે પણ ચિત્રવિચિત્ર દાવાઓ થતા રહે છે. પાટીદાર ધાર્મિક સંસ્થાઓ અને તેના પ્રતિનિધિઓ "સરકારની સાથે છે કે હાર્દિકની સાથે" તે વલણ નક્કી કરી શકતા નથી!

  સરકાર પાસે શું આ એક વ્યક્તિની બિનકાયદે જીદ અને મમતનું કોઈ સમાધાન જ નથી ? આ પ્રકારે છાશવારે કોઈપણ જો અઘટિત માંગણી લઈને ઉભું થાય તો સરકાર કઈ કરે જ નહિ તેવું કઈ રીતે ચાલી શકે ? કેમ માત્ર પાટીદારોનું વ્યાપક સમર્થન છે એટલે હાર્દિકની સામે નક્કર પગલાં લેતા સરકાર ખચકાય છે ? આ મામલે હવે હદ થઇ રહી છે. પ્રજા મોંઘવારી, પેટ્રોલના વધતા દામ, વધતી ગુનાખોરી, સિંચાઈ, ખેતી, શિક્ષણ સહિતના સંખ્યાબંધ મામલે પીસાઈ રહી છે; ત્યારે આ મામલે સરકાર ક્યારે ઠોસ પગલાં લેશે ? કે’ હજુય સમયની રાહ જોવાની...
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Hardik Patel Fast, Paas, અનામત, પાટીદાર અનામત આંદોલન, રાજકારણ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર