Home /News /gujarat /

ડોક્ટરની સલાહ બાદ હાર્દિકે પાણી પીધું, અનશન ચાલુ જ છેઃ પાસ

ડોક્ટરની સલાહ બાદ હાર્દિકે પાણી પીધું, અનશન ચાલુ જ છેઃ પાસ

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

"હવે અમને લાગી રહ્યું છે કે જીવશું તો લડીશું અને લડીશું તો જીતીશું. તમામ લોકોની ઈચ્છા પૂર્ણ કરવા માટે હાર્દિકે પાણી પીધું છે. હજી સુધી હાર્દિકે અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી."

    અમદાવાદઃ લોકતાંત્રિક જનતા દળ (એલજેડી)ના નેતા શરદ યાદવે આજે એસજીવીપી હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીધું હતું. હાર્દિકે બે દિવસથી ઉપવાસ દરમિયાન પાણી પીવાનું પણ છોડી દીધું હતું. હાર્દિકને પાણી પીવડાવ્યા બાદ શરદ યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પાસ તરફથી મનોજ પનારાએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે ડોક્ટરની સલાહને ધ્યાનમાં રાખીને હાર્દિકે પાણી પીધુ છે, હજુ તેના અનશન ચાલુ જ છે.

    શરદ યાદવે જણાવ્યું કે, "માનવીય આધાર પર અમે હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા હતા. હાર્દિક સાથે મુલાકાત દરમિયાન મેં તેને સમજાવ્યું હતું કે લડાઈ લડવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. હાર્દિકને કહ્યું કે ખૂબ ખાઈપીને લડાઈ લડવાની છે. અત્યારે પાણી પીધુ છે બાદમાં તે ડોક્ટરની સલાહ પ્રમાણે ખાવાનું પણ શરૂ કરશે."

    તમામ લોકોની ઈચ્છા પૂરી કરવા હાર્દિકે પાણી પીધું: પાસ

    હાર્દિકે પાણી પીવા અંગે પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, "ગાંધીના માર્ગે આંદોલન કરવા છતાં પણ સરકાર વાર્તાલાપ માટે તૈયાર નથી.  ગુજરાતની જનતાની ઈચ્છા છે કે હાર્દિક પટેલ જીવતા રહે. હવે અમને લાગી રહ્યું છે કે જીવશું તો લડીશું અને લડીશું તો જીતીશું. તમામ લોકોની ઈચ્છા પૂર્ણ કરવા માટે હાર્દિકે પાણી પીધું છે. હજી સુધી હાર્દિકે અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી. હાર્દિકના અનશન હજી ચાલુ જ છે."

    ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે તેવી હાર્દિકની ઈચ્છા

    "હાર્દિક પટેલ ઈચ્છે છે કે ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી રહે. માટે તમામ લોકો શાંતિ જાળવી રાખે. શરદ યાદવ હાર્દિક પટેલને મળીને ગયા છે, તેમને હાર્દિકને પાણી પીવડાવ્યું છે. 11:30 વાગ્યા સુધી હાર્દિક પટેલ આઇસીયુમાં હતા. ડોક્ટરની સ્પષ્ટ સૂચના હતી કે પાણી પીવું જરૂરી છે, નહીં તો કિડનીમાં ઇન્ફેક્શન થઇ શકે છે. ડોક્ટરની સલાહ અને શરદ યાદવની સમજાવટ બાદ હાર્દિકે પાણી પીધું છે. સૌરભ પટેલે ગોળ ગોળ વાત કરીને અમને મળવાની વાત કરી હતી પરંતુ વિધિવત રીતે અમારી ટીમને કોઈ આમંત્રણ આપ્યું નથી. અમે સરકારને 11 વાગ્યા સુધી મળવા બોલાવવા કહ્યું હતું. સરકારે અમને બોલાવ્યા નથી."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 25th August, Hardik Fast, હાર્દિક પટેલ

    આગામી સમાચાર