Home /News /gujarat /

મણિનગરની સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ: હાર્દિક-અલ્પેશ

મણિનગરની સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ: હાર્દિક-અલ્પેશ

    ખુલ્લેઆમ ઉઘરાવાતી બેફામ ફી અને RTE અંતર્ગત બાળકોને પ્રવેશ ન આપવા જેવી શાળાઓની દાદાગીરી સામે હવે યુવા નેતાઓ પણ મેદાને આવ્યા છે. ગઇકાલે ઉદ્દગમ સ્કૂલની મુલાકાત બાદ આજે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે મણિનગરની ડિવાઇન બર્ડ્સ સ્કૂલની મુલાકાત લીધી હતી, અને સાથે જ આ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

    અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને ડિવાઇન સ્કૂલમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા અલગ હોવાની માહિતી મળી હતી. જેના આધારે બંને નેતાઓએ આ સ્કૂલની મુલાકાત લીધી હતી. જે બાદ બંને નેતાઓએ RTEના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદ કરી છે, અને તમામ બાળકોને સારી ગુણવત્તા યુક્ત અને સમાન શિક્ષણ મળી રહે તે માટે આહ્વાન કર્યુ છે.

    ઉલ્લેખનીય છે કે, ફી નિયમન, આરટીઈ, શિક્ષણ વિભાગ અને સ્કૂલ સંચાલકોની દાદાગીરી સહિતના મુદ્દે આજે પાસ આગેવાન હાર્દિક પટેલ, ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડ એક મંચ પર આવ્યા છે. શુક્રવારે આ ત્રણે નેતાઓએ અમદાવાદની ઉદગમ સ્કૂલ પહોંચીનો વિરોધ કર્યો હતો. વિરોધને લઇને સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી, પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.

    હાર્દિકે શું કર્યો હતો આક્ષેપ?
    ઉદગમ સ્કૂલ ખાતે વિરોધ નોંધાવનાર હાર્દિક પટેલ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં શિક્ષણના નામે વેપાર થઈ રહ્યો છે. સરકારે આરટીઈ કાયદો ઘડ્યો હોવા છતાં ગરીબ બાળકોને પ્રવેશ નથી મળી રહ્યો. હાઈફાઇ સ્કૂલોમાં ગરીબ બાળકોને પ્રવેશ ન મળતા છેલ્લી ઘડીએ તેમણે વધારે પૈસા ચૂકવીને અન્ય સ્કૂલોમાં પ્રવેશ લેવો પડે છે. આવી સ્કૂલોમાં પાંચથી છ લાખ સુધીનું ડોનેશન લેવામાં આવે છે. આ કૌભાંડમાં ધારાસભ્યોથી લઇને મંત્રીઓની ભાગીદારી હોય છે. ચૂંટણીના પૈસાના ખર્ચ માટે આ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. વિજયભાઈ રૂપાણીને શિક્ષણ કેવી રીતે થાય છે તેની સમજ નથી."

    અલ્પેશે સરકારને શું આપી ચીમકી?
    આ અંગે પ્રતિક્રિયા આપતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, "સરકારે ચૂંટણી વખતે કહ્યું હતું કે અમે શિક્ષણમાં વેપારીકરણ બંધ કરીશું. શિક્ષણનું સ્તર સુધારીશું. પરંતુ ચૂંટણી પૂરી થતાં જ હવે સરકાર કહે છે કે શિક્ષણ સસ્તું નહીં થાય. શિક્ષણ સાથે રમત રમવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સરકાર અને તેમના મંત્રીઓની ભાગીદારી છે. અમે રાજ્યપાલ અને સીએમનો સમય માંગ્યો છે. જો બે દિવસમાં પ્રવેશથી વંચિત તમામ 30 હજાર બાળકોને પ્રવેશ આપવામાં નહીં આવે તો અમે સીએમ અને તેમના મંત્રીઓ જ્યાં જશે ત્યાં તેમનો વિરોધ કરીશું.

    દાવો - રાજ્યમાં 30 હજારથી વધારે બાળકો આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત
    એક અંદાજ પ્રમાણે સ્કૂલનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું હોવા છતાં રાજ્યમાં 30 હજારથી વધારે બાળકો આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત છે. સ્કૂલ સંચાલકો વિવિધ બહાના હેઠળ બાળકોને પ્રવેશથી વંચિત રાખી રહ્યા છે. પ્રવેશ માટે રાહ જોઈ રહેલા બાળકોના વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમને જે-તે સ્કૂલમાં પ્રવેશના મેસેજ મળ્યા બાદ જ્યારે તેઓ સ્કૂલનો સંપર્ક કરે છે ત્યારે સ્કૂલ સંચાલકો જગ્યા ભરાઈ ગઈ હોવાના બહાના બનાવી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Blamed, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन