ગાંધીનગરઃ આ વર્ષે ગુજરાતમાં વરસાદની 24 ટકા જેટલી ઘટ રહી છે. બીજી તરફ રાજ્યના વિવિધ જળાશયોમાં સરેરાશ 56 ટકા જેટલું જ પાણી છે. રાજ્યના મોટા 204 ડેમમાંથી માત્ર 26 ડેમો જ સંપૂર્ણ ભરાયા છે.
રાજ્યમાં ડેમોની સ્થિતિ
રાજ્યના મોટા જળાશયોમાંથી માત્ર 26 ડેમ સંપૂર્ણ રીતે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં ફક્ત 35 ટકા પાણીનો જથ્થો બાકી વધ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 મોટા ડેમોમાંથી માત્ર 5 ડેમ સંપૂર્ણ રીતે ભરાયા છે. અહીં રાજ્યમાં સૌથી વધારે 84 ટકા પાણીનો જથ્થો છે.
આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે માત્ર ચાર ટકા જ વરસાદની ઘટ છે. નવાઈની વાત તો એ છે કે સૌથી વધારે વરસાદ પડવા છતાં અહીં 13 મોટા ડેમમાંથી પાંચ ડેમ ખાલી છે. એટલે કે માત્ર આઠ જ ડેમ ભરાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં પાણીની ટકાવારી 52.5 ટકા છે.
આ વર્ષે સૌથી ખરાબ સ્થિતિ કચ્છ વિસ્તારની છે. અહીં 20 મોટા ડેમમાં માત્ર 11.97 ટકા પાણીનો જથ્થો છે. આ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી ઓછો 26 ટકા વરસાદ નોંધાયો છે. આ જ કારણે સરકારે આ જિલ્લાના અછતગ્રસ્ત જાહેર કરવાની ફરજ પડી છે.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે છે અહીં 138 મોટા ડેમમાંથી 13 ડેમો સંપૂર્ણ ભરાયેલા છે. આ ડેમોમાં હાલ 44.47 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે નર્મદા ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો છે.
અંદાજ પ્રમાણે નર્મદા ડેમમાંથી સરકાર નગરપાલિકાઓ, મનપાઓ અને 10 હજાર ગામડાઓને એક વર્ષ સુધી પીવાનું પાણી પૂરું પાડી શકે તેટલો જથ્થો છે. મધ્ય પ્રદેશમાં સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. જોકે, નર્મદાના કમાન્ડ એરિયામાં નથી આવતા તેવા આઠ હજાર ગામડાઓ માટે પીવાના પાણીની સમષ્યા ઉભી થઈ શકે છે. આ વિસ્તારમાં જો તંગી ઉભી થશે તો સ્થાનિક સોર્સના માધ્યમથી પીવા તેમજ સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવી પડશે.
ગુજરાતમાં હજી 24 ટકા વરસાદની ઘટ
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76 ટકા વરસાદ નોંધાયો છે, એટલે કે હજી 24 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં કોઈ જ વરસાદ નોંધાયો છે. કચ્છમાં આ વર્ષે સિઝનનો 26 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 45 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 60 ટકા જ્યારે પશ્ચિમ મધ્ય ગુજરાતમં 71 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વર્ષે અહીં 73 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સૌથી વધારે 96 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.