રાજ્યના પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગે રાજ્યમાં મહત્વના ચેક પોઇન્ટ અને ટોલ નાકાઓ ઉપર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ કરવા માટે આદેશ આપ્યા છે. વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ વાહન વ્યવહાર અધિકારીઓને આદેશ કર્યો છે કે રાજ્યમાં નિશ્ચિત કરવામાં આવેલા 32 ચેક પોઈન્ટ ઉપરાંત યોગ્ય લાગે તેવા અન્ય ચેકિંગ પોઇન્ટ ઉપર સઘન ચેકિંગ કરવાના આદેશ કર્યા છે.
ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કમિશનર કચેરીના સૂત્રો મુજબ, રાજ્યમાં હાલ ટોલનાકા સહિત 32 ચેક પોઇન્ટ અને જગ્યાઓ ઉપર વાહનોનું ચેકિંગ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 150થી વધુ RTO ઇન્સ્પેક્ટર અને સ્ટાફ કામગીરી કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ કામગીરીથી રાજ્ય સરકારની વાહન વ્યવહાર કચેરીને અત્યાર સુધીમાં અંદાજે 7 કરોડ રૂપિયાની આવક થઈ છે. તો બીજી તરફ રાજ્યના ટોલનાકા ઉપરથી પસાર થતા વાહનોએ ટેક્સ ન ભર્યો હોય, ઓવરલોડ માલ સામાન ભર્યો હોય તેમજ ઓવર ડાયમેન્શન એટલે કે માલવાહક ટ્રક ટેન્કરમાં ભરેલા માલમાં નિશ્ચિત કરેલી લંબાઈ-પહોળાઈથી વધુ હોય તેવા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
આ આદેશમાં રાજ્યના તમામ RTOએ ફરજીયાત 12 કલાકની શિફ્ટ મુજબ આ કામગીરી કરવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ ચેકિંગનો રિપોર્ટ કામગીરી પૂર્ણ થયા બાદ ગૂગલશીટ મારફતે અપલોડ કરી તેની જાણ કરવાની રહેશે.