Home /News /gujarat /

મહેસૂલ મંત્રી કૌશિક પટેલને મુંબઈ ખસેડાયા, બાયપાસ સર્જરી કરાશે

મહેસૂલ મંત્રી કૌશિક પટેલને મુંબઈ ખસેડાયા, બાયપાસ સર્જરી કરાશે

કૌશિક પટેલ (ફાઇલ તસવીર)

    ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત ખરાબ થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ન્યૂમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે હૃદયની લોહી પહોંચાડતી ત્રણ નળી બ્લોક છે. જે બાદમાં મંત્રીને મુંબઈ ખસેડવામાં આવ્યા છે. મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલ ખાતે મંત્રી પર બાયપાસ સર્જરી કરવામાં આવશે.

    અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડોક્ટરોએ રિપોર્ટ કરતા મંત્રીને હૃદયની તકલિફ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે બાદમાં તેમના પર એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટમાં માલુમ પડ્યું હતું કે મંત્રીની ત્રણ જેટલી નળી બ્લોક છે. સામાન્ય રીતે ડોક્ટરો આવા કેસમાં સ્ટેન્ટ મૂકતા હોય છે. જોકે, કૌશિક પટેલને વધારે તકલિફ હોવાથી ડોક્ટોરોએ તેમને બાયપાસ સર્જરી માટેની સલાહ આપી હતી.

    જે બાદમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ તેમને મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. બ્રીચકેન્ડી હોસ્પિટલના ડો. ભટ્ટાચાર્ય કૌશિક પટેલની બાયપાસ સર્જરી કરશે.

    ઉલ્લેખનીય છે કે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલ સેલેબ્સની સારવાર માટે ખૂબ પ્રસિદ્ધ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓ અહીં સારવાર લઈ ચુક્યા છે.

    થોડા દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અહીં જ ઘૂંટણની ઓપરેશન કરાવ્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રી પ્રદીપસિંહે પણ તાજેતરમાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર કરાવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kaushik Patel, નિતિન પટેલ

    આગામી સમાચાર