ગાંધીનગરઃ સોમવારે પાલિકા અને પંચાયતોની ખાલી પડેલી 46 બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકામાં 52.69 ટકા, જિલ્લા પંચાયતમાં 45.87 ટકા અને તાલુકા પંચાયતમાં 56.48 ટકા મતદાન થયું હતું. તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પરિણામો દરમિયાન સૌથી મોટા આંચકારૂપ સમાચાર જસદણ તાલુકાની પેટા ચૂંટણીના પરિણામમાં આવ્યા છે. જસદણના કોંગ્રેસના ધારાસભ્ય ભાજપ કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં જોડાયા છે. જોકે, તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં અહીં ભાજપના ઉમેદવારનો 400 મતથી પરાજય થયો છે.
વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ ફટકો
જસદણ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજીભાઈને મોટો ફટકો પડ્યો છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દયાબેન તલસાણીયાનો 400 મતથી વિજય થયો છે.
કેટલા ઉમેદવાર મેદાનમાં હતા?
- નગરપાલિકાની 11 બેઠકો પર ભાજપના 9, કોંગ્રેસના 10 અને અપક્ષના 6 ઉમેદવારો મેદાનમાં હતા.
- જિલ્લા પંચાયતોની 2 ખાલી પડેલી બેઠકમાં ભાજપ કોંગ્રેસના બે- બે ઉમેદવારો મેદાનમાં હતા.
- તાલુકા પંચાયતની ખાલી પડેલી 33 બેઠકમાં ભાજપ કોંગ્રેસના 33-33 અને 9 અપક્ષ ઉમેદવાર મેદાનમાં હતા.
બોરસદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે દાવોલ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી. કોંગ્રેસના ઉમેદવારનો 900 મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો દબદબો હતો.
દાહોદ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં જાલત બેઠક ઉપર કોંગ્રેસનો વિજય, કોંગ્રેસના રેમાબેન બિલવાલનો 715 મતે વિજય થયો.
હિંમતનગર નગર પાલિકાની એક એક વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના નટુભાઈ ઓઝાની જીત થઈ છે. કોંગ્રેસના મૌલેશ સોનીને 983 મતે હાર આપી છે.
વ્યારા નગર પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપ પ્રેરિત 4 ઉમેદવારોનો વિજય થયો છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર-1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઝીયા પટેલનો વિજય.
અમરેલીઃ તાલુકા પંચાયતની તમામ 6 બેઠકોનું પરિણામ જાહેર થયું. ભાજપ અને કોંગ્રેસના ફાળે ત્રણ-ત્રણ બેઠક આવી. વડેરા, મોટા આંકડીયા અને બાબાપુર બેઠક પર કોંગ્રેસનો કબજો, પ્રતાપપરા, નાના આંકડીયા અને જસવંતગઢ બેઠક પર ભાજપનો વિજય.