Home /News /gujarat /વરસાદ પછી ગુજરાતની આ જગ્યાઓ બની જાય છે સ્વર્ગ જેવી સુંદર, તમે પણ માણી લો મઝા

વરસાદ પછી ગુજરાતની આ જગ્યાઓ બની જાય છે સ્વર્ગ જેવી સુંદર, તમે પણ માણી લો મઝા

વરસાદ પછી ગુજરાતની આ જગ્યાઓ પર ફરવાની મઝા આવે છે.

Gujarat Travel : આપણે એવી જ સુંદર જગ્યાની વાત કરવાના છીએ જ્યાં વરસાદ પછી પરિવાર અને મિત્રો સાથે ફરવાની મજા જ કાંઇ ઔર છે.

  ચોમાસુ (Monsoon) શરુ થતા જ ગુજરાતના (Gujarat Monsoon Travel) વિવિધ વિસ્તારોમાં આવેલા નાના-મોટા ધોધ અને અનેક એવી જગ્યાઓ છે જેમાં જાણે જીવ આવી જતા હોય એમ સુંદર થઇ જાય છે. ગુજરાતમાં મોટાભાગના ધોધ અને એવી ઘણી જગ્યાઓ છે કે, જે વરસાદ શરુ થતા જ સક્રિય અને નયનરમ્ય બની જતા હોય છે. ત્યાં જઇને દરેક સહેલાણીનું મન ખુશ થઇ જાય છે. તો આજે આપણે એવી જ સુંદર જગ્યાની વાત કરવાના છીએ જ્યાં વરસાદ પછી પરિવાર અને મિત્રો સાથે ફરવાની મજા જ કાંઇ ઔર છે.

  ગીરા ધોધ

  ગુજરાતનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો ધોધ એટલે ગીરા ધોધ, જેને વઘઈમાં વાંસના જંગલોની વચ્ચે કુદરતની ભેટ પણ માનવામાં આવે છે. આ ધોધ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વઘઇ ગામની નજીક આવેલો છે. અંબિકા નદી અહીં ધોધ સ્વરૂપે પડે છે. આ ધોધની ખાસિયત એ છે કે, દૂર દૂર સુધી અહીં પાણીના પડવાનો અવાજ આવે છે. અહીં જે નજારો દેખાય છે એ મંત્રમુગ્ધ કરી દે એવો હોય છે. અહીં ધોધ લગભગ 30 મીટરની ઊંચાઇએથી પડે છે.  બરડા ધોધ

  ડાંગના જંગલમાં આવેલો આ બીજો ધોધ, જે આહવાથી મહાલ તરફ જતા 10 કિલોમીટર દૂર આવેલો છે. ચનખલ ગામથી પણ અહીં જઈ શકાય છે. વરસાદના પાણીના કારણે આ ધોધનો પ્રવાહ ભારે જોવા મળે છે.ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે પગદંડીનો રસ્તો છે, જ્યાં ચાલતા જવું પડે છે. અહીં ચાલતા પહોંચતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે છે. અહીં ખડકો પરથી પડતું પાણી નીચે તળાવમાં પડે છે.  હથણી માતા ધોધ

  ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા પાસે આવેલો હથણી ધોધ વરસાદ પડવાથી સક્રિય થઇ જાય છે અને અહીંના પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. ચોમાસામાં આ કુદરતી ધોધની સાથે સાથે આસપાસની લીલોતરી એક મનમોહક દ્રશ્ય રચે છે. સાથે જ પડતું પાણી લોકોનું મન મોહી લે એવો નજારો રચે છે. અહીં ધોધ સુધી પહોંચવા માટે ઝરણામાંથી જ પસાર થવું પડે છે.  પાવાગઢ

  પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. પાવાગઢ વરસાદમાં સોળે કળાએ ખીલે છે.  પોલો ફોરેસ્ટ

  અમદાવાદથી લગભગ 110 કિમીના અંતરે આવેલું આ સ્થળ કુદરતની સુંદરતા અને પ્રકૃતિના ખોળે પાંગર્યું છે. ઇડરથી માંડ 35 કિમીના અંતરે આવેલું છે. ઇડરથી જીપમાં આ સ્થળે જઈ શકાય છે. ભરઉનાળામાં પણ અહીંનું તાપમાન 35 સે. ઉપર જતું નથી. હા, જોકે અહીં કુદરતી હરિયાળી હોવાને કારણે ચોમાસામાં જવાની મજા કંઈક અલગ જ હોય છે. હાલમાં ઈડરમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે આ જગ્યા સૌંદર્યથી ભરપૂર છે.  સાપુતારા

  સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. ચોમાસામાં આ હિલ સ્ટેશનને માણવાની અલગ જ મઝા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Monsoon 2021, Travel, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन